અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધ માટે જો બાઇડનને જવાબદાર ઠેરવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે આ યુદ્ધ બાઇડનનું, મારું નહીં. મારા કાર્યકાળ દરમિયાન આવું કંઈ બન્યું નથી. વ્લાદિમીર પુતિન અને બીજા બધા તમારા રાષ્ટ્રપતિ (મને) માન આપતા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ જો બાઇડનની નિષ્ફળતાને કારણે થયું હતું. જો 2020માં અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કોઈ છેતરપિંડી ન થઈ હોત તો આ યુદ્ધ ક્યારેય ન થયું હોત. હું આ યુદ્ધ માટે જવાબદાર નથી. પણ હું તેને રોકવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું. મૃત્યુ અને વિનાશ હવે સંપૂર્ણપણે બંધ થઈ જવો જોઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સકી અને પુતિનની ટીકા કરી
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ યુદ્ધને રોકવામાં નિષ્ફળ રહ્યા છે. યુદ્ધ રોકવાના ઘણા રસ્તા હતા પણ તેમણે કંઈ કર્યું નહીં.
રશિયા-યુક્રેન યુદ્ધનો ઇતિહાસ
તે 22 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયું હતું. અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. 2022માં રશિયાએ પૂર્વી યુક્રેનના ડોનબાસ પ્રદેશ પર આક્રમણ કર્યું હતું, ત્યારબાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થયો અને અત્યાર સુધી ચાલુ છે.
સંઘર્ષના શરૂઆતના દિવસોમાં રશિયા યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા માંગતું હતું. જોકે, યુક્રેનના મજબૂત પ્રતિકારને કારણે આ શક્ય બન્યું નહીં. બ્રિટન, અમેરિકા, યુરોપિયન યુનિયન અને નાટો દેશોએ યુક્રેનને લશ્કરી અને આર્થિક સહાય પૂરી પાડી હતી. ઘણા દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા, જેની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી હતી.