Jammu Kashmir Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીર ઉપરાંત દિલ્હી અને મુંબઈમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ આતંકી હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે અમે ભારત સાથે ઉભા છીએ.
'અમેરિકા ભારત સાથે મજબૂતીથી ઊભું છે'
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "કાશ્મીરથી ખૂબ જ પરેશાન કરતા સમાચાર આવ્યા છે. અમેરિકા આતંકવાદ સામે ભારતની સાથે મજબૂત રીતે ઊભું છે. અમે માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ અને ઘાયલોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ છીએ. વડાપ્રધાન મોદી અને ભારતના અતુલ્ય લોકોને અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ છે. અમારી સંવેદના તમારા બધા સાથે છે."
હાલમાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ તેમના પરિવાર સાથે ભારતની મુલાકાતે છે. તેમણે પહેલગામ હુમલાની પણ નિંદા કરી છે. તેમણે કહ્યું, "હું ભારતના પહેલગામમાં થયેલા દર્દનાત આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. છેલ્લા કેટલાક દિવસોમાં અમે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થયા છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના તેમની સાથે છે.
અનેક રાજ્યોમાં પોલીસ એલર્ટ
આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીર સહિત દેશના ઘણા રાજ્યોમાં પોલીસ એલર્ટ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સાઉદી અરેબિયાના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીને આ આતંકી હુમલાની જાણકારી આપી હતી. પીએમ મોદી સાથે ફોન પર વાત કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે સીએમ ઓમર અબ્દુલ્લા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને ઘણા ટોચના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી.
પહેલગામ આતંકી હુમલા બાદ PM મોદીએ CCSની બેઠક બોલાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ હુમલામાં જે પણ સામેલ હશે તેને બક્ષવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદીઓના નાપાક ઈરાદા ક્યારેય સફળ નહીં થાય. ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે આ ઘૃણાસ્પદ આતંકવાદી હુમલામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમે દોષિતો સામે કડક કાર્યવાહી કરીશું.