Donald Trump reaction India tariff cuts: ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં SCO સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની વેપાર નીતિઓ સામે સ્પષ્ટ સંદેશ આપ્યા બાદ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર ભારતને આડે હાથ લીધું છે. ટ્રમ્પે ભારત-અમેરિકન વેપાર કરારને એકતરફી દુર્ઘટના ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે ભારતે હવે ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે, જે ખૂબ મોડી છે.
SCO સમિટ પછી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદવાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ અને લશ્કરી સાધનો ખરીદે છે, જ્યારે અમેરિકાથી બહુ ઓછું ખરીદે છે. ટ્રમ્પે દાવો કર્યો કે ભારતે હવે ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે, પરંતુ આ પગલું ઘણું મોડું છે, કારણ કે અમેરિકન કંપનીઓ ભારતમાં માલ વેચી શકતી નથી. આ નિવેદન પીએમ મોદીના SCO સમિટમાં આપેલા નિવેદન બાદ આવ્યું છે, જ્યાં મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત પાસે વેપાર માટે અન્ય વિકલ્પો પણ ખુલ્લા છે.
ટ્રમ્પનો ભારત-અમેરિકન વેપાર પર આક્ષેપ
ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે, “કેટલાક લોકો માને છે કે અમે ભારત સાથે ખૂબ ઓછો વેપાર કરીએ છીએ, પરંતુ તેઓ અમારી સાથે ઘણો વેપાર કરે છે. તેનું કારણ એ છે કે ભારતે અત્યાર સુધી અમારી પાસેથી આટલો બધો ટેરિફ વસૂલ્યો છે. આ એક સંપૂર્ણપણે એકતરફી દુર્ઘટના રહી છે.” આ નિવેદન દ્વારા ટ્રમ્પે ભારતીય વેપાર નીતિઓ પર સીધો આક્ષેપ કર્યો છે કે તે અમેરિકા માટે અનુકૂળ નથી.
તેમણે ઉમેર્યું કે અમેરિકન કંપનીઓ માટે ભારતમાં પોતાનો માલ વેચવો મુશ્કેલ છે, કારણ કે ભારતમાં ઊંચા ટેરિફ લાદવામાં આવે છે. આનાથી અમેરિકન કંપનીઓને નુકસાન થાય છે અને વેપાર અસંતુલન સર્જાય છે.
ટ્રમ્પે આશ્ચર્યજનક દાવો કરતા કહ્યું, “તેઓએ (ભારતે) હવે તેમના ટેરિફ સંપૂર્ણપણે ઘટાડવાની ઓફર કરી છે, પરંતુ હવે મોડું થઈ રહ્યું છે. તેમણે આ વર્ષો પહેલા કરવું જોઈતું હતું.” આ નિવેદન ભારતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પીએમ મોદીએ ચીન પ્રવાસ દરમિયાન SCO સમિટમાં ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત માટે વેપાર અને સંબંધો માટે ઘણા વિકલ્પો ખુલ્લા છે. આ નિવેદન દર્શાવે છે કે ભારત હવે અમેરિકાની એકપક્ષીય નીતિઓ સામે ઝૂકવા તૈયાર નથી.
ભારત, રશિયા અને ચીનનું એક મંચ પર આવવું
અમેરિકાના ટેરિફ અને એકપક્ષીય નીતિઓને કારણે વિશ્વ રાજકારણમાં પરિવર્તન આવી રહ્યું છે. SCO સમિટમાં ભારત, રશિયા અને ચીન એક મંચ પર આવ્યા અને પરસ્પર સહયોગને મજબૂત કરવાની વાત કરી, જે અમેરિકા માટે એક પડકાર સમાન છે. આનાથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક શક્તિ સંતુલન બદલાઈ રહ્યું છે અને અમેરિકાના નિર્ણયોને પડકારવા માટે નવા રાજકીય જૂથો બની રહ્યા છે.
પીએમ મોદીએ ભારતના ડેરી અને કૃષિ ક્ષેત્રને બચાવવાની વાત કરી, જ્યારે અમેરિકા આ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા માંગે છે. પીએમ મોદીએ કહ્યું, “આજે ભારત મારા દેશના માછીમારો અને પશુપાલકો માટે તૈયાર છે,” જે દર્શાવે છે કે ભારત પોતાના ખેડૂતો અને માછીમારોના હિત સામે કોઈ સમાધાન કરશે નહીં.