Trump DOGE administration: અમેરિકાની ટ્રમ્પ સરકારે બજેટ કાપના પગલાં હેઠળ વિદેશી સહાયમાં મોટો ઘટાડો કર્યો છે, જેની અસર ભારત સહિત અનેક દેશો પર પડી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના વડા એલોન મસ્કની દેખરેખ હેઠળ, અમેરિકાએ ભારતને મતદાન ટકાવારી વધારવાના કાર્યક્રમ માટે ફાળવેલા 21 મિલિયન ડોલર (રૂ. 1.82 અબજ)ના ભંડોળને રોકી દીધું છે.


ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા સરકારી ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે DOGE વિભાગની સ્થાપના કરવામાં આવી છે, જેનું નેતૃત્વ ટેસ્લાના માલિક એલોન મસ્ક કરી રહ્યા છે. મસ્ક અમેરિકન કરદાતાઓના નાણાંના દરેક ખર્ચની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે અને જે ખર્ચાઓ તેમને બિનજરૂરી લાગે છે તેને રદ કરી રહ્યા છે. DOGE વિભાગે ટ્વિટર પર જાહેરાત કરી છે કે ભારતને અપાતી 21 મિલિયન ડોલરની સહાય રદ કરવામાં આવી છે. આ નિર્ણય આંતરરાષ્ટ્રીય સહાયમાં કરવામાં આવેલા વ્યાપક કાપનો એક ભાગ છે, જેનો હેતુ ચૂંટણી પ્રક્રિયાઓ અને રાજકીય સ્થિરતાને સુધારવાના પ્રયાસોને અસર કરવાનો છે.


એલોન મસ્કનું માનવું છે કે બજેટમાં કાપ મૂક્યા વિના અમેરિકા નાદાર થઈ જશે, અને આ પહેલ વહીવટીતંત્રના વ્યાપક બજેટ ફેરફારોને અનુરૂપ છે. ભારત ઉપરાંત, બાંગ્લાદેશ અને નેપાળને મળતી મોટી સહાય પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાંગ્લાદેશને રાજકીય સ્થિરતા અને લોકશાહી શાસનને પ્રોત્સાહન આપવા માટે અપાતી 29 મિલિયન ડોલરની સહાય અને નેપાળને નાણાકીય સંઘવાદ અને જૈવવિવિધતા સંરક્ષણ માટે અપાતી 39 મિલિયન ડોલરની સહાય પણ અટકાવી દેવામાં આવી છે.






ભારતને મળતી સહાય રોકવાના નિર્ણય પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રતિક્રિયા આપી છે. BJPના અમિત માલવિયાએ આ નિર્ણયને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં બાહ્ય હસ્તક્ષેપ ગણાવ્યો છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે આનાથી કોને ફાયદો થશે, શાસક પક્ષને તો ચોક્કસપણે નહીં.


ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ DOGE વિભાગને સરકારના ખર્ચમાં અનેક અબજ ડોલરની બચત કરવાનો શ્રેય આપ્યો હતો. ટ્રમ્પ પ્રશાસન દ્વારા લેવામાં આવેલા આ પગલાંનો હેતુ અમેરિકન કરદાતાઓના નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો અને દેશના નાણાંકીય સંસાધનોને સુરક્ષિત રાખવાનો છે.


એલોન મસ્કના આ નિર્ણયથી મોઝામ્બિક, પ્રાગ, કંબોડિયા, સર્બિયા, લાઇબેરિયા, દક્ષિણ આફ્રિકા, માલી અને એશિયા જેવા અન્ય દેશોને મળતી સહાય પણ બંધ થઈ જશે, જેમાં લાખો ડોલરની રકમનો સમાવેશ થાય છે. આ પગલાંથી આ દેશોના વિકાસ કાર્યક્રમો અને લોકશાહી પહેલો પર નોંધપાત્ર અસર થવાની સંભાવના છે.


આ પણ વાંચો....


દિલ્હી સીએમની રેસમાં આ 10 ચહેરા, જાણો કોણ છે સૌથી આગળ? નામ જાણીને તમને નવાઈ લાગશે