Trump 2025 tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક મોટું પગલું ભર્યું અને દક્ષિણ કોરિયા, જાપાન, મ્યાનમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાકિસ્તાન અને મલેશિયાથી આયાત થતી વસ્તુઓ પર ભારે ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. ટ્રમ્પે પોતાના નિર્ણયને અમેરિકા અને આ દેશો વચ્ચેની વેપાર ખાધ ઘટાડવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતુ. જોકે, ટ્રમ્પે આ દેશોને 'સ્વીકારો અથવા છોડી દો' અલ્ટીમેટમ સાથે ટેરિફ પત્રો જાહેર કર્યા છે. જેનો ઉદ્દેશ્ય વાટાઘાટોને ઝડપી બનાવવા અને ટેરિફ સિસ્ટમને આગળ વધારવાનો છે.
તેમણે ભાર મૂક્યો હતો કે આ ટેરિફ દરો વેપાર ખાધને સંપૂર્ણપણે દૂર કરવા માટે જરૂરી દરો કરતા ઘણા ઓછા છે. ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકા આ દેશો સાથે વેપાર ચાલુ રાખવા માટે તૈયાર છે, જો કે તે વધુ વાજબી અને સંતુલિત હોય.
ટ્રમ્પે તેમના નિવેદનમાં કહ્યું હતું, 'અમે લાંબા સમયથી દક્ષિણ કોરિયા અને જાપાન સાથે નોંધપાત્ર વેપાર ખાધનો સામનો કરી રહ્યા છીએ. આ ટેરિફ આ અસંતુલનને સુધારવા માટેનું પ્રારંભિક પગલું છે, જેથી અમેરિકન વ્યવસાયો અને કામદારોને વાજબી તકો મળી શકે.'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌપ્રથમ જાપાન અને દક્ષિણ કોરિયા પર ટેરિફ બોમ્બ ફેંક્યો, બંને દેશોના ઉત્પાદનો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ પછી તેમણે શ્રેણીબદ્ધ એક પછી એક પત્રો જાહેર કર્યા અને પાંચ અન્ય દેશોના ઉત્પાદનો પર પણ ટેરિફની જાહેરાત કરી હતી.
14 દેશો પર ટેરિફની જાહેરાત
શરૂઆતમાં ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા પર 25-25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. થોડા કલાકો પછી તેમણે પાંચ અન્ય દેશો - મ્યાનમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાકિસ્તાન અને મલેશિયા પર ભારે ટેરિફની જાહેરાત કરી હતી. આ પછી યુએસ રાષ્ટ્રપતિએ પાંચ વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખોને પત્રો જાહેર કર્યા અને ટેરિફની જાહેરાત કરી હતી જેમાં ટ્યુનિશિયા, ઇન્ડોનેશિયા, બોસ્નિયા, બાંગ્લાદેશ, સર્બિયા, કંબોડિયા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે.
કયા દેશ પર કેટલો ટેરિફ
જાપાન: 25 ટકા ટેરિફ
દક્ષિણ કોરિયા: 25 ટકા ટેરિફ
મ્યાનમાર: 40 ટકા ટેરિફ
લાઓસ: 40 ટકા ટેરિફ
દક્ષિણ આફ્રિકા: 30 ટકા ટેરિફ
કઝાકિસ્તાન: 25 ટકા ટેરિફ
મલેશિયા: 25 ટકા ટેરિફ
ટ્યુનિશિયા: 25 ટકા ટેરિફ
ઇન્ડોનેશિયા: 32 ટકા ટેરિફ
બોસ્નિયા: 30 ટકા ટેરિફ
બાંગ્લાદેશ: 35 ટકા ટેરિફ
સર્બિયા: 35 ટકા ટેરિફ
કંબોડિયા: 36 ટકા ટેરિફ
થાઇલેન્ડ: 36 ટકા ટેરિફ
ટેરિફ વેપારને સંતુલિત કરશે
ટ્રમ્પે આ ટેરિફ લાદવા પાછળનું કારણ આપ્યું અને કહ્યું કે આ પગલાં અમેરિકન અર્થતંત્રને મજબૂત કરવા અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, 'આપણે હવે એવા દેશો સાથે વેપાર ખાધ સહન કરી શકતા નથી જે આપણા બજારોનું શોષણ કરે છે. આ ટેરિફ ફક્ત આપણા વેપારને સંતુલિત કરશે જ નહીં પરંતુ અમેરિકન નોકરીઓને પણ સુરક્ષિત કરશે.'