India Vs China News: ભારત જે ઝડપે પ્રગતિ કરી રહ્યું છે તેની સાથે સ્પર્ધા કરવા ડ્રેગન સંઘર્ષ કરી રહ્યું છે. ચીનનો વિકાસ દર ધીમો પડ્યો છે અને બીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતા ઘણો પાછળ છે, જ્યારે ભારતનો વિકાસ દર અપેક્ષા કરતા આગળ ગયો છે. બેઇજિંગ નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (NBS) એ સોમવારે (15 જુલાઈ, 2024) ના રોજ જાહેરાત કરી હતી કે વર્ષના બીજા ક્વાર્ટરમાં ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રૉડક્ટ (GDP) વૃદ્ધિ દર 4.7 ટકા હતો, જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં તે 5.3 ટકા હતો. ભારતની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં તેનો વિકાસ દર 7.6 ટકા હતો.


ચીનની સરકારે સોમવારે કહ્યું કે નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં તેનો જીડીપી ઘટીને 4.7 ટકા થઈ ગયો છે. પ્રથમ ક્વાર્ટરના ડેટા પર નજર કરીએ તો સર્વેમાં ઘણા અર્થશાસ્ત્રીઓ અને બ્લૂમબર્ગે બીજા ક્વાર્ટરમાં ચીનના જીડીપી માટે 5.1 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો, પરંતુ ચીન આ તમામ અંદાજોથી પાછળ રહી ગયું છે.


આ આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે સત્તારૂઢ કૉમ્યૂનિસ્ટ પાર્ટી (CPC) એ એક મહત્વપૂર્ણ બેઠક શરૂ કરી હતી, જેને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વ માટે નિર્ણાયક ક્ષણ તરીકે વર્ણવવામાં આવી રહી છે.


લડખડાયેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયાસોમાં લાગ્યા જિનપિંગ - 
'થર્ડ પ્લેનમ' નામની ચાર દિવસીય બેઠકમાં કૉમ્યૂનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના 376 પૂર્ણ અને વૈકલ્પિક સભ્યો ભાગ લઈ રહ્યા છે. તેઓ મુખ્યત્વે વ્યાપકપણે વિસ્તરી રહેલા સુધારા અને ચીનના આધુનિકીકરણને વેગ આપવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે, જેથી ગહન વસ્તી વિષયક કટોકટી, સુસ્ત વૃદ્ધિ અને વધતા સરકારી દેવાને કારણે અર્થતંત્રને પાટા પર લાવી શકાય.


NBSએ સોમવારે કહ્યું, 'હાલનું બાહ્ય વાતાવરણ જટિલ છે, જ્યારે સ્થાનિક માંગ અપૂરતી રહે છે. આપણે હજુ પણ આર્થિક રિકવરીના પાયાને મજબૂત કરવાની જરૂર છે.


CPCની ત્રીજી બેઠકને આગામી દાયકા માટેના સુધારાનો એજન્ડા નક્કી કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકને રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે નિર્ણાયક ક્ષણ તરીકે પણ જોવામાં આવી રહી છે, જેમણે આર્થિક મંદી વચ્ચે અભૂતપૂર્વ ત્રીજી પાંચ વર્ષની મુદત પૂરી કરી છે.


કેમ ઘટ્યો ચીનનો વિકાસ દર ? 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિયલ એસ્ટેટ સંકટને કારણે ગ્રાહકો અને કંપનીઓએ સાવધાનીપૂર્વક ખર્ચ કર્યો. ચીનના વિકાસ દરમાં ઘટાડાનું મુખ્ય કારણ રિટેલ વેચાણમાં ઘટાડો છે. ડેટા અનુસાર, મે મહિનામાં ચીનનો ઉપભોક્તા વપરાશ 3.7 ટકા હતો જે જૂનમાં ઘટીને માત્ર 2 ટકા રહ્યો હતો. રિયલ એસ્ટેટ દેવાને કારણે ઉપભોક્તાનો વપરાશ ઘટ્યો છે.


ચીનથી કેટલુ આગળ રહ્યું છે ભારત ?
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના જણાવ્યા અનુસાર, 2024 ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા હતો અને બીજા ક્વાર્ટરમાં 7.6 ટકા હાંસલ કર્યો હતો. ગયા વર્ષે માર્ચમાં આ આંકડો 8.2 ટકા હતો. વળી, ભારતીય રિઝર્વ બેંકે 2024 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.