Dubai Floods: દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે દુબઈના રહેવાસીઓ અને ભારતમાં રહેતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું કારણ એ છે કે ભારતથી દુબઈ જતી એક ડઝનથી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. બુધવાર (17 એપ્રિલ) થી 19 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે દુબઈ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા છે, જે બાદ એર ઈન્ડિયા, ઈન્ડિગો જેવી એરલાઈન્સે પોતાની ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે.






એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું છે કે દુબઈમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે ગઈકાલે (બુધવારે) દિલ્હી એરપોર્ટ પર આવતી અને જતી ઓછામાં ઓછી 19 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે દુબઈ જતી 10 ફ્લાઈટ અને ત્યાંથી આવતી 9 ફ્લાઈટ વરસાદને કારણે કેન્સલ કરવી પડી હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મંગળવાર (16 એપ્રિલ)થી પડેલા વરસાદ બાદ દુબઈ એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ફ્લાઈટ્સ સેવા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.






એર ઈન્ડિયાની દુબઈ જતી ફ્લાઈટ રદ કરવામાં આવી


દુબઈમાં વરસાદ અને એરપોર્ટ પર પાણી ફરી વળતા એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ બુધવારે તેમની ઘણી ફ્લાઈટ્સ રદ કરી હતી. એર ઈન્ડિયા ભારતના વિવિધ શહેરોમાંથી દુબઈ માટે અઠવાડિયામાં 72 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે, પરંતુ આ ગલ્ફ સિટીમાં ખરાબ હવામાનને કારણે તેણે ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. મુસાફરોને એર ઈન્ડિયાથી તેમની ફ્લાઈટ્સ ફરીથી શિડ્યૂલ કરવાનો વિકલ્પ પણ મળ્યો છે. એરલાઈન્સે કહ્યું કે તે મુસાફરોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે.






વિસ્તારા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટે પણ ફ્લાઈટ્સ કેન્સલ કરી


એર ઈન્ડિયા એક્સપ્રેસ, વિસ્તારા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ સહિતની અન્ય એરલાઈન્સની દુબઈની ફ્લાઈટ્સને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે કહ્યું કે અમે મુસાફરોને સંપૂર્ણ રિફંડ અને ફ્રી રિશિડ્યુલિંગનો વિકલ્પ આપી રહ્યા છીએ. ઈન્ડિગોએ બુધવારે જાહેરાત કરી હતી કે ખરાબ હવામાનને કારણે તે ઓપરેશનલ સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેના કારણે દુબઈથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.


સ્પાઈસજેટે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે ખરાબ હવામાનને કારણે દુબઈથી આવતી તમામ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા 2023માં વિશ્વના બીજા સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે ક્રમાંકિત દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ભારે વરસાદ પછી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. દુબઈમાં વરસાદ બાદ શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.