Earthquake IN New Zealand: ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર ધરતી ધ્રુજી છે, ન્યૂઝીલેન્ડના ઉત્તરપૂર્વમાં સ્થિત કર્માડેક ટાપુઓમાં આજે 7.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અમેરિકન જિયોલૉજિકલ સર્વેએ આ અંગે જાણકારી પણ આપી છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દું જમીનની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ માપવામાં આવ્યુ હતું. ભૂકંપ ન્યૂઝીલેન્ડના લૉકલ સમય મુજબ બપોરે 12.42 કલાકે આવ્યો હતો. કર્માડેક ટાપુઓ ન્યૂઝીલેન્ડના દરિયાકાંઠે લગભગ 800 કિમી ઉત્તરપૂર્વમાં આવેલા છે.


ખાસ વાત છે કે, ભૂકંપ બાદ હવે સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. સુનામીની સંભાવનાને ધ્યાનમાં રાખીને દરિયાકિનારાની નજીકના તમામ રહેવાસીઓને તાત્કાલિક ધોરણે સ્થળ છોડીને દુર જવા માટે કહી દેવામાં આવ્યુ છે. જોકે ભૂકંપ આવ્યાના લગભગ એક કલાક બાદ કહેવામાં આવ્યું હતું કે દેશમાં સુનામીનો કોઈ ખતરો નથી.


દરિયાકાંઠો છોડવાની તમામને સલાહ 
ભૂકંપ આવ્યા બાદ સત્તાવાળાઓએ રહેવાસીઓને શક્ય તેટલી વહેલી તકે દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવા વિનંતી કરી હતી. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથૉરિટી (NEMA) એ લખ્યું, "જ્યાં ભૂકંપનો આંચકો એક મિનિટથી વધુ સમય માટે અનુભવાયો છે, ત્યાંના લોકોએ તરત જ ત્યાંનો દરિયાકાંઠો ખાલી કરી લેવો જોઈએ. આ વિસ્તારોમાં સુનામી આવી શકે છે, જેથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઉંચા વિસ્તારોમાં પહોંચો.


લગભગ એક કલાક સુધી દેખરેખ રાખ્યા બાદ અધિકારીઓએ સુનામીની ચેતવણી પાછી ખેંચી લીધી હતી. જોકે, જો ભવિષ્યમાં ભૂકંપના આંચકા અનુભવાય તો રહેવાસીઓને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બહાર ખસી જવાની સલાહ આપવામાં આવી છે.