Taiwan Earthquake:રવિવારે તાઈવાનના પૂર્વ કિનારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે રાજધાની તાઈપેઈમાં કેટલીક ઈમારતો ધ્રૂજી ગઈ હતી પરંતુ નુકસાનના કોઈ સમાચાર નથી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર તાઈવાનના હુઆલીન કાઉન્ટી નજીક સમુદ્રમાં 22.4 કિમી (14 માઈલ) ની ઊંડાઈએ હતું.


 સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, જોરદાર ભૂકંપ બાદ લોકો ગભરાટમાં જોવા મળ્યો હતો.. બધા પોતપોતાના મકાનમાંથી બહાર આવી ગયા હતા. નોંધનીય છે કે ટેકટોનિક પ્લેટની નજીક હોવાના કારણે તાઈવાનમાં વારંવાર ભૂકંપ અનુભવાય છે.


સપ્ટેમ્બર 2022 માં, તાઇવાનમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, લગભગ 150 અન્ય ઘાયલ થયા હતા, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અગાઉ 2016માં દક્ષિણ તાઈવાનમાં આવેલા ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે 1999માં 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2000થી વધુ લોકોના મોત થયા હતા.


તમને જણાવી દઈએ કે, આ પહેલા  3 નવેમ્બરના રોજ નેપાળના જાજરકોટમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 153 લોકોના મોત થયા હતા અને હજારો લોકો બેઘર થઈ ગયા હતા. નેપાળનો આ વિસ્તાર ભૂકંપથી ખરાબ રીતે પ્રભાવિત થયો છે અને  લોકો તંબુઓમાં રહેવા મજબૂર છે. જેના કારણે લોકો હવે ઠંડીનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં તંબુઓમાં રહેતા પાંચ લોકો ઠંડીના કારણે મૃત્યુ પામ્યા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાજરકોટમાં 34,000 થી વધુ પરિવારો તંબુઓમાં રહે છે કારણ કે તેમના ઘરો ભૂકંપથી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે.                                                                           


આ પહેલા 17 નવેમ્બરે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરપૂર્વીય મ્યાનમારમાં ગયા શુક્રવારે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, 5.7ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર શાન રાજ્યના કેંગ તુંગ શહેરથી લગભગ 76 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું. ભૂકંપ લગભગ 10 કિમી ઊંડે હતો. હાલમાં આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી