નવી દિલ્હીઃ મેક્સિકોમાં વાવાઝોડા અને વરસાદ બાદ ભૂકંપના કારણે હાહાકાર મચ્યો હતો. મેક્સિકોમાં 7.1ની તિવ્રતાવાળા ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જીવ બચાવવા લોકો રસ્તા પર આવી ગયા હતા. આ ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે મેક્સિકો સિટીમાં અનેક ઇમારતો ધ્રુજવા લાગી હતી. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.


યુએસ જીયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી અને ભૂકંપનું કેન્દ્ર અકાપુલ્કોના ઉત્તર પૂર્વમાં ૧૭ કિમી દૂર હતું. અકાપુલ્કોના રહેવાસીએ જણાવ્યું હતું કે, ઘરની વસ્તુઓ પડવા લાગી હતી અને વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો. ભૂકંપથી રાજધાનીના કેટલાક હિસ્સામાં લગભગ એક મિનિટ સુધી જમીનમાં આંચકા અનુભવાયા હતા. જોકે, કોઇના મોત થયાના સમાચાર નથી. લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા પરંતુ રાત્રે વરસાદ થવાના કારણે લોકો ભૂકંપનો ખતરો છતાં ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા.


નેશનલ સિસ્મોલોજિકલ સર્વિસના કહેવા પ્રમાણે ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે રાજધાનીમાં સેંકડો કિલોમીટર દૂર ઇમારતો હલતી જોવા મળી હતી. ભૂકંપ આવ્યા બાદ રહેવાસીઓ અને પ્રવાસીઓને રસ્તા પર મોકલી દેવામાં આવ્યા હતા.


અકાપુલ્કોના મેયર એડેલા રોમનના જણાવ્યા અનુસાર વધારે ગંભીર સ્થિતિ નથી અને અત્યાર સુધી કોઇ મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી. મેક્સિકોના પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેજે પણ જણાવ્યું છે કે ચાર રાજ્યોમાં ભૂકંપની સૌથી વધુ અસર જોવા મળી છે. મેક્સિકોના એક અન્ય હિડાલ્ગો રાજ્યના તુલા શહેરમાં ભારે વરસાદ બાદ એક નદીમાં પૂર આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓના મતે અચાનક આવેલા પૂરથી વિજળીનો પુરવઠો ખોરવાયો હતો.


નોંધનીય છે કે આ અગાઉ હૈતીમાં ગયા મહિને મધ્યમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 1300થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે છ હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.  આ ભૂકંપથી અનેક શહેર પુરી રીતે બરબાદ થયા હતા.