India-Turkey Tension: પાકિસ્તાનને ટેકો આપ્યા બાદ ભારતે તાત્કાલિક અસરથી તુર્કી એરપોર્ટની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબીની સુરક્ષા મંજૂરી રદ કરી હતી. આ પછી સેલેબીએ હવે એક નિવેદન બહાર પાડ્યું છે. સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયાએ કહ્યું કે તે કોઈપણ રીતે તુર્કીની કંપની નથી. કંપનીએ કહ્યું કે સત્ય એ છે કે તે એક ભારતીય એન્ટરપ્રાઇઝ છે અને તેની સંભાળ ભારતીય વ્યાવસાયિકો દ્ધારા લેવામાં આવે છે.

એર્દોગનની દીકરીની હિસ્સેદારીના દાવાને ખોટો ગણાવ્યો

કંપનીએ કહ્યું કે તે વૈશ્વિક સ્તરે કાર્યરત ઉડ્ડયન કંપની છે જેનો કોઈ રાજકીય સંબંધ નથી. કંપનીએ સોશિયલ મીડિયા પર તેની માલિકી અંગેના આરોપોને નકારી કાઢ્યા હતા, અને દાવો કર્યો હતો કે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનની પુત્રી સુમેય એર્દોગન સેલેબીમાં એક હિસ્સેદાર છે. ઓપરેશન સિંદૂરના પગલે તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો ત્યારથી તુર્કીનો બહિષ્કાર કરવા અને ભારતમાં તેની કંપનીઓની હાજરીની સમીક્ષા કરવા માટે અવાજ ઉઠાવવા લાગ્યા છે.

સેલેબી ક્યાં સેવાઓ પૂરી પાડે છે?

સેલેબી મુંબઈ, દિલ્હી, કોચી, કન્નુર, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, ચેન્નઈ અને ગોવા (મોપા) સહિત નવ એરપોર્ટ પરથી કાર્યરત વિવિધ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરલાઇન્સને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડે છે. સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયાના સુરક્ષા ક્લિયરન્સને અચાનક રદ કરવાથી તેની સેવાઓનો ઉપયોગ કરતી એરલાઇન્સ માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેને હવે અન્ય કંપનીઓ પાસેથી ઝડપથી ગ્રાઉન્ડ હેન્ડલિંગની વ્યવસ્થા કરવી પડશે.

કોઈપણ દેશ સાથે રાજકીય સંબંધો નહીં - સેલેબી

કંપનીએ જણાવ્યું હતું કે, "સેલેબી એવિએશન એક વૈશ્વિક કંપની છે, જે 65 વર્ષથી વધુ સમયથી ત્રણ ખંડો અને છ દેશોમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો કામગીરી પૂરી પાડે છે. સેલેબી ભારતમાં 15 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. અમે 10,000 થી વધુ ભારતીયોને રોજગારી આપીએ છીએ."

કંપનીએ કહ્યું હતું કે, "અમે કોઈપણ રીતે તુર્કીની કંપની નથી. અમે કોર્પોરેટ ગવર્નન્સ, પારદર્શિતા અને તટસ્થતા સાથે બનાવેલા નિયમોનું પાલન કરીએ છીએ. અમારા કોઈપણ વિદેશી સરકાર કે વ્યક્તિઓ સાથે કોઈ રાજકીય સંબંધો નથી.