અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બહુચર્ચિત વન બિગ બ્યૂટીફૂલ લો લાગુ કર્યો છે. આ દરમિયાન તેમના ભૂતપૂર્વ સાથીદાર અને ઉદ્યોગપતિ એલન મસ્કે 'અમેરિકા પાર્ટી' નામના નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે આ પક્ષ અમેરિકાના લોકોને એક પાર્ટીની સિસ્ટમથી મુક્તિ અપાવશે. મસ્કની આ જાહેરાત બાદ અમેરિકન રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

મસ્કે એક્સ પર એક નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી છે. તેમની X પોસ્ટમાં તેમણે તાજેતરના સર્વેના પરિણામો ટાંકીને લખ્યું હતું કે, 'આજે અમેરિકા પાર્ટીની રચના તમને તમારી સ્વતંત્રતા પાછી આપવા માટે કરવામાં આવી છે.'

તેમણે દાવો કર્યો હતો કે સર્વેક્ષણમાં જનતાએ 2:1ના ગુણોત્તરમાં એક નવા રાજકીય વિકલ્પની ઇચ્છા વ્યક્ત કરી છે. તમે એક નવો રાજકીય પક્ષ ઇચ્છો છો અને હવે આ રાજકીય પક્ષ તમારી સામે છે.

પાર્ટી કેમ બનાવી?

પોતાની જાહેરાતમાં મસ્કે વર્તમાન રાજકીય વ્યવસ્થાની ટીકા કરી અને કહ્યું હતું કે, 'જ્યારે વાત બરબાદી અને ભ્રષ્ટાચારથી આપણા દેશને નાદાર કરવાની વાત આવે છે ત્યારે એક પાર્ટી સિસ્ટમમાં જીવી રહ્યા છે, લોતંત્રમાં નહીં.' તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકા પાર્ટીની રચના તમારી ખોવાયેલી સ્વતંત્રતા પાછી લાવવા માટે કરવામાં આવી છે.

મસ્કે 4 જૂલાઈના રોજ અમેરિકાના સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન તેમના પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક મતદાન પોસ્ટ કર્યું હતું, જેમાં તેમણે તેમના ફોલોઅર્સને પૂછ્યું હતું કે- 'સ્વતંત્રતા દિવસ એ પૂછવાનો શ્રેષ્ઠ સમય છે કે શું તમે બે- પાર્ટી (કેટલાક લોકો તેને એક-પક્ષીય) સિસ્ટમથી મુક્તિ ઇચ્છો છો! શું આપણે અમેરિકા પાર્ટી બનાવવી જોઈએ?'

મતદાનમાં 65 ટકાથી વધુ લોકોએ મસ્કને ટેકો આપ્યો

આ મતદાનમાં 65.4 ટકા લોકોએ 'હા' મત આપ્યો જ્યારે 34.6 ટકા લોકોએ 'ના' કહ્યું હતું. મસ્કે આ મજબૂત જાહેર સમર્થનને પાર્ટી લોન્ચ કરવાની પ્રેરણા તરીકે વર્ણવ્યું અને તેને બંને મુખ્ય પક્ષો - રિપબ્લિકન અને ડેમોક્રેટિક પ્રત્યે લોકોમાં વધી રહેલા અસંતોષના પ્રતિભાવ તરીકે રજૂ કર્યું હતું.

અગાઉ મસ્કે X પરની એક પોસ્ટ પર સકારાત્મક પ્રતિભાવ મળ્યા બાદ અમેરિકામાં ત્રીજો રાજકીય પક્ષ શરૂ કરવાની શક્યતાનો સંકેત આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે - 'મસ્ક ત્રીજો પક્ષ શરૂ કરે છે તે ટેસ્લા અને સ્પેસએક્સ જેવું છે. સફળતાની શક્યતા ઓછી છે, પરંતુ જો પાર્ટી સફળ થાય છે તો રમત સંપૂર્ણપણે બદલાઈ જશે.'

મસ્કે એવા સમયે એક નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી છે જ્યારે તેમણે તાજેતરમાં ટ્રમ્પ વહીવટીતંત્રમાંથી બહાર થઇ ગયા હતા અને DOGE પણ છોડી દીધી હતી જેના કારણે તેમના રાજકીય અને જાહેર જીવનમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે.