PM Modi Brazil Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસની મુલાકાતે બ્રાઝીલ પહોંચ્યા છે, જે દરમિયાન તેઓ 17મા બ્રિક્સ સમિટમાં હાજરી આપશે. શનિવારે સાંજે (સ્થાનિક સમય) રિયો ડી જેનેરિયોના ગેલેઓ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું. પાંચ દેશોની તેમની મુલાકાતનો આ ચોથો તબક્કો છે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું હતું કે બ્રાઝીના રિયો ડી જેનેરિયો પહોંચ્યો, જ્યાં હું બ્રિક્સ સમિટમાં હાજરી આપીશ અને બાદમાં રાષ્ટ્રપતિ Lula da Silvaના આમંત્રણ પર રાજકીય યાત્રા માટે તેમની રાજધાની બ્રાઝિલિયા જઈશ. આ મુલાકાત દરમિયાન બેઠકો અને વાટાઘાટોનો ફળદાયી રાઉન્ડની અપેક્ષા છે.
બ્રિક્સ ભાગીદારી માટે પ્રતિબદ્ધ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પોસ્ટમાં જણાવ્યું હતું કે બ્રિક્સ ભાગીદારી માટે પ્રતિબદ્ધ! વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મા બ્રિક્સ સમિટ માટે બ્રાઝિલના રિયો ડી જેનેરિયો પહોંચ્યા હતા. વડાપ્રધાન આર્જેન્ટિનાથી અહીં પહોંચ્યા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ જેવિયર મિલી સાથે વ્યાપક વાટાઘાટો કરી અને દ્વિપક્ષીય વેપારમાં વિવિધતા લાવવા તથા સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો, ફાર્માસ્યુટિકલ, ઊર્જા અને ખાણકામ ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમતિ દર્શાવી હતી.
પીએમ મોદી બ્રાઝિલિયાની મુલાકાત લેશે
તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી 6 અને 7 જુલાઈના રોજ રિયો ડી જાનેરોમાં બ્રિક્સ સમિટમાં હાજરી આપશે, ત્યારબાદ તેઓ રાજકીય મુલાકાત લેશે, જેના માટે તેઓ બ્રાઝિલિયા જશે. લગભગ છ દાયકામાં કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા દેશની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત હશે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કરતા બ્રિક્સમાં પાંચ વધારાના સભ્યો સાથે વિસ્તાર કરવામાં આવ્યો છે જેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈનો સમાવેશ થાય છે.
પીએમ મોદી અનેક વિશ્વ નેતાઓને મળશે
પીએમ મોદીએ કહ્યું હતું કે બ્રિક્સના સ્થાપક સભ્ય તરીકે ભારત ઉભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સહયોગ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે આ બ્લોક માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે સાથે મળીને આપણે વધુ શાંતિપૂર્ણ, સમાન, લોકશાહી અને સંતુલિત બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા માટે પ્રયત્નશીલ છીએ. સમિટ દરમિયાન મોદી અનેક વિશ્વ નેતાઓને મળશે. પાંચ દેશોની મુલાકાતના ભાગ રૂપે પીએમ મોદીએ ઘાના, ત્રિનિદાદ અને ટોબૈગો અને આર્જેન્ટિનાની મુલાકાત લીધી. તેઓ તેમના પ્રવાસના છેલ્લા તબક્કામાં નામિબિયાની મુલાકાત લેશે.