Twitter Buy Out: ટ્વિટરની 'ચકલી' હવે અબજોપતિ એલોન મસ્કના હાથમાં રહેશે. મસ્કે લગભગ 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ખરીદવાનો સોદો કરી લીધો છે. પરંતુ આ બધાની વચ્ચે એલોન મસ્કનું 2017નું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે પૂછ્યું હતું કે, ટ્વિટર કેટલા પૈસામાં વેચાઈ રહ્યું છે. 21 ડિસેમ્બર, 2017 ના રોજ, સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે એક ટ્વીટમાં લખ્યું હતું કે, હું ટ્વિટરને પ્રેમ કરું છું. તેમના આ ટ્વિટ પર એક સોશિયલ મીડિયા યુઝર ડેવ સ્મિથે લખ્યું કે - તમારે તેને ખરીદવું જોઈએ. જવાબમાં મસ્કે લખ્યું- કિંમત કેટલી છે?




વાતચીતનો આ સ્ક્રીનશોટ ડેવ સ્મિથે શેર કર્યો છે. સાથે જ, તેમણે આના પર કેપ્શનમાં લખ્યું - આ વાતચીત મને સતત ડરાવે છે. આ મહિનાની શરૂઆતમાં, મસ્ક ટ્વિટર પરની જૂની વાતચીત પર પાછા ગયા અને તેમના જવાબની નીચે એક ઊંધી સ્માઈલી પોસ્ટ કરી હતી.




તમને જણાવી દઈએ કે, સોમવારે ટ્વિટરે એલોન મસ્ક સાથે 44 બિલિયન ડોલરની ડીલ કરી હતી. સીએનએનના એક અહેવાલ મુજબ, આ ડીલની શરતો હેઠળ, ટ્વિટરના શેરધારકોને હવે તેમની માલિકીના ટ્વિટર સ્ટોકના દરેક શેર માટે 54.20 ડોલર રોકડમાં મળશે.


ટ્વિટર ખાનગી કંપની બની જશેઃ
ટેસ્લાના સીઈઓ મસ્કે 14 એપ્રિલે ટ્વિટરને ખરીદવાની ઓફર કરી હતી. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું ન હતું કે તે ટ્વિટરને ખરીદવા માટે કેવી રીતે ભંડોળ એકત્ર કરશે. મસ્કે કહ્યું છે કે, તે ટ્વિટર ખરીદવા માંગે છે, કારણ કે તેમને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિ (ફ્રી સ્પિચ)ના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા પ્રમાણે કામ કરી રહ્યું હોય. ટ્વિટરે કહ્યું કે એકવાર ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે ટ્વીટ કર્યું, 'ટ્વિટરનો એક હેતુ અને પ્રાસંગિકતા છે, જે સમગ્ર વિશ્વને અસર કરે છે. અમારી ટીમ અને તેમના કામ પર ગર્વ છે.