Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધને બે મહિના થઈ ગયા છે. બંનેમાંથી એક પણ દેશ નમવા તૈયાર નથી. આ દરમિયાન યુક્રેન સતત મેરીયુપોલમાં ફસાયેલા લાખો લોકોને વહેલી તકે બચાવવા માટે અપીલ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે ફરી કેટલીક હ્રદયસ્પર્શી તસવીરો સામે આવી છે. આ તસવીરો સેટેલાઇટથી લેવામાં આવી છે અને તે માત્ર મેરીયુપોલની છે. આમાં, કતારોમાં કબરો ખોદવામાં આવી છે અને લોકોને કાં તો તેમાં દફનાવવામાં આવ્યા છે અથવા દફન કરવાની તૈયારી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં અહીં 200થી વધુ કબરો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
યુક્રેનિયન મીડિયાએ ફોટો જાહેર કર્યો
યુક્રેનિયન મીડિયા હાઉસ નેક્સટાએ આ તસવીરો જાહેર કરતા કહ્યું કે આ મેરીયુપોલથી પાંચ કિલોમીટર દૂર સ્થિત સ્ટેરી ક્રિમ ગામમાં એક સામૂહિક કબર છે. રશિયન સૈનિકો આ કબરોમાં નિર્દોષ લોકોને દફનાવી રહ્યા છે.
મેયરે પહેલેથી જ દાવો કર્યો હતો
મેરીયુપોલના મેયર વાદિમ બોઈચેન્કોએ થોડા દિવસો પહેલા યુક્રેનના આ દક્ષિણી શહેરને સંપૂર્ણ રીતે ખાલી કરાવવાની અપીલ કરી હતી. પછી તેણે જણાવ્યું કે કેવી રીતે રશિયન સૈનિકો સામાન્ય લોકો પર નિર્દયતા કરી રહ્યા છે. તેમણે કહ્યું, “અમને માત્ર એક વસ્તુની જરૂર છે અને તે છે વસ્તીનું સંપૂર્ણ સ્થળાંતર.
મોટાભાગના મકાનો ખંડેર હાલતમાં
મેરીયુપોલમાં રશિયન સૈનિકો લગભગ એક મહિનાથી તબાહી મચાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર અહીં વીજળી, પાણીની વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. લોકોને ભોજન મેળવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. અહીં મોટાભાગના મકાનો ખંડેર હાલતમાં છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.