Ukraine Russia War: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાત બાદ રશિયાની સેનાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો હતો. યુક્રેનની રાજધાની કીવમાં ઘણી જગ્યાઓ પર ધડાકા થઈ રહ્યા છે. ઘણા લોકોનાં મોત થયાના અહેવાલો પણ મળી રહ્યા છે. રશિયાનો દાવો છે કે તેણે યુક્રેનની હવાઈ સુરક્ષા સિસ્ટમ સંપુર્ણ રીતે બર્બાદ કરી દીધી છે. આવી સ્થિતિ વચ્ચે યુક્રેનના નાગરિકોને સેનામાં ભરતી કરાઈ રહ્યા છે.
બાળકી અને પરિવારને ગુડ બાયઃ
આ યુદ્ધની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક વીડિયોમાં રશિયાએ મચાવેલી તબાહીના દૃશ્યો છે તો કેટલાક વીડિયોમાં લોકો પોતાના પરિવારને સુરક્ષિત રાખવાના પ્રયત્નો કરતા દેખાઈ રહ્યા છે. આવો જ એક વીડિયો યુક્રેનની બાપ-બેટીનો પણ હાલ વાયરલ થયો છે. આ વીડિયોમાં પિતા પોતાની બાળકી અને પરિવારને ગુડ બાય કરતો નજર આવી રહ્યો છે.
આ વીડિયો લોકોને ભાવુક કરી રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે એક બાળકી પોતાના પિતાને મળી રહી છે અને બંનેની આંખોમાં આંસુ આવી ગયા છે. બંને બાપ-દિકરી એક બીજાને ગળે વળગીને રડતા પણ દેખાય છે. આ વીડિયો ગઈકાલે રાત્રે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી લાખો વ્યુ મળી ચુક્યા છે અને 22 હજારતી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. હાલ આ વીડિયો જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે અને આ બાળકી અને તેના પિતાની સલામતી માટે ભગવાનને પ્રાથના પણ કરી રહ્યા છે. સાથે જ આ યુદ્ધ રુકવા માટે પ્રાથના કરી રહ્યા છે.