ઓસ્લો: ઈથોપિયાનાં પ્રધાનમંત્રી અબી અહમદને 2019નો શાંતિનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમના દેશના ચિર શત્રુ ઈરિટ્રિયાની સાથેના સંઘર્ષનો ઉકેલ લાવવા માટે આપવામાં આવ્યો છે. નોબલ પુરસ્કારના પંચે જણાવ્યુ કે, 43 વર્ષીય અબીને શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવાના પ્રયાસો માટે અને વિશેષ રૂપથી પાડોશી દેશ ઈરીટ્રિયાથી 20 વર્ષથી ચાલતા વિવાદને ખતમ કરવા માટે મહત્વની ભૂમિકા અદા કરી છે માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.


અલી આર્મીમાં ઈન્ટેલિજેન્સ અધિકારી હતા. સત્તા સંભાળ્યા બાદથી, અહમદે રાજકારણમાં મહિલાઓની ભૂમિકામાં વધારો કરવાની પહેલ કરી હતી. તેમણે સરકારમાં પોતાના દેશનાં 20 મંત્રી પદોમાં અડધાથી વધારેમાં મહિલાઓની નિમણૂંક કરી છે. જેમાં દેશની પ્રથમ રક્ષા મંત્રીનો સમાવેશ થાય છે.

એપ્રિલ 2018માં જ્યારે અબી અહમદ પ્રધાનમંત્રી બન્યા, તો તેમણે સ્પષ્ટ કર્યુ કે, તે ઈરિટ્રિયાની સાથે શાંતિ વાર્તા ફરીથી શરૂ કરવા માંગે છે. અબી અહમદે શાંતિ સમજૂતી માટે સિદ્ધાંતો પર કામ કર્યુ જેથી લાંબા સમયથી ચાલી રહેલાં વિવાદને ખતમ કરી શકાય. 2002માં આંતરરાષ્ટ્રીય સીમા આયોગની મધ્યસ્થતાના નિર્ણયનો સ્વીકાર કરવો અહમદની સફળતાનો એક મહત્વપૂર્ણ આધાર હતો.