યુરોપિયન યુનિયન (EU) માં યુક્રેનના સભ્યપદ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંન્સકીએ અરજી કર્યાના એક દિવસ પછી, યુરોપિયન સંસદે આજે વિનંતી સ્વીકારી હતી.  યુરોપિયન સંસદે યુરોપિયન યુનિયનમાં જોડાવાની યુક્રેનની અરજી સ્વીકારી છે. 


ઝેલેંન્સકીએ આજે યુરોપિયન સંસદમાં તેમનું સંબોધન પૂરું થયા પછી તરત જ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.  યુક્રેનમાં તણાવ વચ્ચે તેમનું સંબોધન સામે આવ્યું, પરંતુ તેમણે કહ્યું કે યુક્રેનના લોકો મજબૂત છે. "અમે અમારી જમીન અને અમારી સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ.  અમને કોઈ તોડી શકશે નહીં, અમે મજબૂત છીએ, અમે યુક્રેનિયન છીએ." 


સોમવારે, ઝેલેન્સકીએ યુક્રેન માટે યુરોપિયન યુનિયનનો ભાગ બનવા માટેની અરજી પર હસ્તાક્ષર કર્યા હતા. યુક્રેન અને રશિયાએ બેલારુસમાં મંત્રણા કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે યુક્રેનને લઈને ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે યુક્રેનને લઈને ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. યુક્રેનમાં હજારો ભારતીયો ફસાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. આ પહેલા પણ પીએમ મોદી યુક્રેનને લઈને ચાર બેઠકો કરી ચૂક્યા છે.


યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની આ પાંચમી બેઠક છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, NSA અજીત ડોભાલ અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા હાજર હતા. આ ઉપરાંત અન્ય ઘણા અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.


વડાપ્રધાનની આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલા વધાર્યા  છે. મંગળવારે આ હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું પણ મોત થયું હતું. ખાર્કિવમાં રશિયા દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનું મોત થયું હતું. નવીન કર્ણાટકના હાવેરી જિલ્લાના ચલગેરીનો રહેવાસી હતો. 21 વર્ષીય નવીન ખાર્કિવમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો હતો.


અગાઉ, ભારતીય દૂતાવાસે મંગળવારે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડવાની સલાહ આપી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે શરૂ કરવામાં આવેલા 'ઓપરેશન ગંગા'ને વધુ વેગ આપવાના પ્રયાસના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ મંગળવારે જ ભારતીય વાયુસેનાને આ ઓપરેશનમાં જોડાવા જણાવ્યું છે. ભારતીય વાયુસેનાના C-17 એરક્રાફ્ટને આજથી 'ઓપરેશન ગંગા'માં સામેલ કરવામાં આવી શકે છે.