યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકમાં યુરોપિયન યુનિયન, નાટો અને ઘણા મુખ્ય યુરોપિયન દેશોના નેતાઓ પણ ઝેલેન્સ્કી સાથે રહેશે. યુરોપિયન કમિશનના વડા ઉર્સલા વૉન ડેર લેયેને રવિવારે ઝેલેન્સ્કીને મળ્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટી આપી હતી કે તેઓ પણ આ બેઠકમાં ઝેલેન્સ્કી સાથે હાજર રહેશે.
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર પણ વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પ સાથે ઝેલેન્સ્કીને મળશે.
ઝેલેન્સ્કીએ રવિવારે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે તેમણે ટ્રાન્સએટલાન્ટિક એકતા, શાંતિ પ્રયાસો, પ્રાદેશિક મુદ્દાઓ અને સુરક્ષા ગેરન્ટી પર યુરોપિયન નેતાઓ સમક્ષ યુક્રેનની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું હતું કે, "એ મહત્વનું છે કે યુરોપ 2022ની જેમ એકતા રહે. આ મજબૂત એકતાથી જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત થઈ શકે છે."
તેમણે પુતિન પર હુમલો કર્યો અને કહ્યું હતું કે પુતિન હત્યાઓ રોકવા માંગતા નથી, પરંતુ તેમણે તેમ કરવું પડશે. ઝેલેન્સકીએ કહ્યું હતું કે વાસ્તવિક વાતચીત ત્યાંથી શરૂ થઈ શકે છે જ્યાં હાલ ફ્રન્ટ લાઇન છે.
અમેરિકા અને યુરોપ પાસેથી સુરક્ષાની માંગણી કરી
તેમણે કહ્યું હતું કે યુક્રેનનું બંધારણ જમીનના સોદા અથવા તેને છોડી દેવાની મંજૂરી આપતું નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જો રશિયા વાટાઘાટો કરવાનો ઇનકાર કરે છે તો નવા પ્રતિબંધો લાદવા જોઈએ. તેમણે અમેરિકા અને યુરોપ તરફથી સુરક્ષા ગેરન્ટીની માંગણીનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
આ બેઠકનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે અમેરિકા રશિયાના પક્ષમાં કોઈ સોદો ન કરે. યુરોપિયન અને નાટો નેતાઓની સામૂહિક હાજરી એ એક મજબૂત સંકેત છે કે ઝેલેન્સકીએ કોઈપણ પ્રકારના દબાણનો સામનો કરવો ન જોઈએ, જેમ કે ફેબ્રુઆરીમાં ટ્રમ્પ સાથેની તેમની છેલ્લી બેઠક દરમિયાન થયું હતું.