Explosions in Iran:  બુધવારે (3 જાન્યુઆરી) ઈરાનમાં જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ સિવાય 71 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર એક વરિષ્ઠ અધિકારીએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.


 






રિપોર્ટ અનુસાર, પહેલો વિસ્ફોટ ઈરાનના કર્માન શહેરમાં પૂર્વ ઈરાની આર્મી જનરલ સુલેમાનીની કબર પાસે થયો હતો. તે પછી બીજો વિસ્ફોટ થયો, જેમાં 100થી વધુ લોકોના મોત થયા. તો બીજી તરફ એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે રસ્તાની બાજુના કબ્રસ્તાન પાસે કેટલાય ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થયા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વિસ્ફોટ ગેસ સિલિન્ડરથી થયો છે કે પછી આ આતંકવાદી હુમલો છે.


અકસ્માત કે આતંકવાદી હુમલો


ઘણા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે કબ્રસ્તાન તરફ જતા રસ્તા પર ગેસના કેટલાય કન્ટેનર ફાટ્યા છે. પરંતુ સ્થાનિક અધિકારીએ હજુ સુધી કોઈ પુષ્ટિ આપી નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિસ્ફોટ ગેસ સિલિન્ડરથી થયો હતો કે અન્ય કોઈ વસ્તુથી. આ ઘટનાને આતંકવાદી હુમલો પણ માનવામાં આવી રહ્યો છે.


વિસ્ફોટો બાદ નાસભાગ મચી ગઈ 
રિપોર્ટ અનુસાર, પૂર્વ જનરલ સુલેમાનીની કબર કબ્રસ્તાનની નજીક આવેલી છે જ્યાં આ બ્લાસ્ટ થયા હતા. જ્યારે વિસ્ફોટ થયા ત્યારે તેમના મૃત્યુની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી હતી. વિસ્ફોટો બાદ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. હાલ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે છે. કહેવાય છે કે નાસભાગને કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


પૂર્વ જનરલનું મોત કેવી રીતે થયું?


પૂર્વ જનરલ સુલેમાની 3 જાન્યુઆરી, 2020 ના રોજ બગદાદ એરપોર્ટ પર યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. સુલેમાની ઈરાનમાં એક શક્તિશાળી વ્યક્તિ હતા. સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખોમેની પછી તેમને ઈરાનમાં બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા. 2020 માં, ટ્રમ્પે સુલેમાનીના મૃત્યુને સૌથી મોટી જીત ગણાવી અને તેને વિશ્વનો નંબર વન આતંકવાદી પણ ગણાવ્યો હતો.