વિદેશ મંત્રી જયશંકર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 80મા સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા હતા. તેમણે સોમવારે (22 સપ્ટેમ્બર, 2025) ના રોજ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ H-1B વીઝા, ટેરિફ અને ટ્રેડ ડીલને લઈને વાતચીત થઈ હતી.

Continues below advertisement

Continues below advertisement

દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા

વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે માર્કો રુબિયો સાથેની તેમની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના વર્તમાન મુદ્દાઓ તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે અનેક મુદ્દાઓ પર સતત સહયોગ પર કરાર થયો હતો.

ચર્ચાઓનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને તાજેતરના મહિનાઓમાં બંને દેશો વચ્ચે ઉભા થયેલા મતભેદોને ઉકેલવાનો હતો. આ વર્ષે જયશંકર અને રુબિયો વચ્ચે આ ત્રીજી મુલાકાત છે. તેમની છેલ્લી વાતચીત 1 જુલાઈના રોજ વોશિંગ્ટનમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન થઈ હતી.

ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વીઝા અંગેના નિયમોમાં ફેરફાર કર્યો

ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં H-1B વીઝા ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પના આદેશથી H-1B વીઝા માટેની અરજી ફી 100,000 ડોલર સુધી વધારી દેવામાં આવી છે, જેના કારણે ટેક ઉદ્યોગમાં ગભરાટ ફેલાયો છે અને આ વીઝા પ્રોગ્રામ પર આધાર રાખતા કામદારો માટે અનિશ્ચિતતા છે. જોકે, વ્હાઇટ હાઉસે શનિવારે જણાવ્યું હતું કે આ એક વખતની ફી છે જે ફક્ત નવા વીઝા પર લાગુ થાય છે, વીઝા રિન્યુઅલ અથવા હાલના વીઝા ધારકો પર નહીં.

ન્યૂયોર્ક પેલેસ ખાતે માર્કો રુબિયો અને એસ. જયશંકર વચ્ચેની આ બેઠક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલ ખરીદવા માટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યા પછી, યુએસ ટેરિફ વધારીને 50 ટકા કરવામાં આવ્યા પછીની પહેલી મુલાકાત છે.

ભારત-યુએસ ટ્રેડ ડીલ પર ચર્ચા થશે

આ દ્વિપક્ષીય બેઠક એવા દિવસે થઈ રહી છે જ્યારે ભારત અને યુએસ વચ્ચે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે પણ વાટાઘાટોનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સોમવારે ન્યૂ યોર્કમાં યુએસ પક્ષને મળશે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, "પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ્ય પરસ્પર ફાયદાકારક વેપાર કરારના વહેલા નિષ્કર્ષ માટે ચર્ચાઓને આગળ વધારવાનો છે."