તાજેતરમાં પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં બલોચ બળવાખોરોએ અનેક મુસાફરોને બંધક બનાવ્યા હતા. આ ઘટના વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લશ્કરી કાર્યવાહી અને વિસ્ફોટના દ્રશ્યો દેખાય છે. આ વીડિયો શેર કરનારા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વીડિયોમાં પાકિસ્તાની સેના બલોચ બળવાખોરોને નિશાન બનાવતી દેખાય છે અને આ દ્રશ્ય બલૂચિસ્તાન ટ્રેન હાઇજેકિંગ સાથે સંબંધિત છે.
વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં શોધી કાઢ્યું કે વાયરલ થઇ રહેલા વીડિયોને બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકિંગ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો 2012થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. અહેવાલો અનુસાર, આ વીડિયો 2009માં અફઘાનિસ્તાનમાં અમેરિકાના ઓપરેશન સાથે સંબંધિત છે.
વાયરલ પોસ્ટમાં શું છે?
ફેસબુક પેજે વાયરલ વીડિયો (આર્કાઇવ્ડ) શેર કરતા લખ્યું હતું કે, "પાકિસ્તાની સેના દ્ધારા બલુચિસ્તાન ટ્રેન હુમલામાં સામેલ બલોચ નેતાઓને એક પછી એક નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેના દ્રશ્યોએ મારા હૃદયને ઠંડક આપી છે, ભગવાનનો આભાર." "મારા શરીરનું લોહીનું દરેક ટીપું પાકિસ્તાન આર્મીના સૈનિકો પ્રત્યે કૃતજ્ઞ છે જેઓ પોતાના જીવનું બલિદાન આપીને માતૃભૂમિનું રક્ષણ કરે છે."
અન્ય યુઝર્સ પણ આ જ ખોટા દાવા સાથે આ વીડિયો શેર કરી રહ્યા છે.
તપાસ
ન્યૂઝ રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ 11 માર્ચે હાઇજેક કરાઇ હતી. આ હાઇજેક બલોચ બળવાખોરો દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ઘણા લોકો માર્યા ગયા છે અને કેટલાક હજુ પણ બંધક છે જેમાં પાકિસ્તાની સેનાના સૈનિકોનો પણ સમાવેશ થાય છે. દરમિયાન બંધકોને મુક્ત કરવા માટે પાકિસ્તાની સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું છે.
વાયરલ વીડિયોની તપાસ શરૂ કરીને અમે વીડિયોના કીફ્રેમ્સ કાઢ્યા અને ગૂગલ લેન્સનો ઉપયોગ કરીને તેને સર્ચ કર્યું. સર્ચ કરવા પર અમને આ વીડિયો 'મેક અ GIF' નામની વેબસાઇટ પર અપલોડ થયેલો જોવા મળ્યો હતો. અહીં આપેલો વીડિયો દસ વર્ષ પહેલા અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોની સાથે અમને 'તાલિબાન' સંબંધિત એક કેપ્શન મળ્યું.
આ આધારે અમે અમારી તપાસ આગળ વધારી અને વાયરલ વીડિયો શોધી કાઢ્યો. શોધ કરતાં અમને DailyMail.co.uk ની વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલ મળ્યો હતો. 23 જૂન, 2017 ના રોજના એક અહેવાલ મુજબ, ઓલિવર સ્ટોનના શો "ધ પુતિન ઇન્ટરવ્યૂઝ" માં વ્લાદિમીર પુતિન મોબાઇલ ફોનથી લીધેલા યુદ્ધના વીડિયો બતાવતા હતા. પુતિને કહ્યું કે આ વીડિયો સીરિયામાં રશિયન લશ્કરી કાર્યવાહીના છે. પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વીડિયો ખરેખર યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ (પેન્ટાગોન)ના છે. સંશોધકો માને છે કે આ વીડિયો 2009 કે 2013માં અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરુદ્ધ અમેરિકાના અભિયાનનો છે. પેન્ટાગોને ફોક્સ ન્યૂઝને એમ પણ કહ્યું કે આ વીડિયો રશિયન સૈનિકોના નથી.
ડેઇલી મેઇલના આ સમાચારમાં અમને ‘CIT’ ના ભૂતપૂર્વ હેન્ડલ પરથી શેર કરાયેલ એક પોસ્ટ મળી હતી. તેમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, "પુતિન દ્વારા ઓલિવર સ્ટોનને બતાવવામાં આવેલ 'રશિયન હેલિકોપ્ટર દ્વારા ISIS પર બોમ્બમારો' ના ફૂટેજ 2013ના યુએસ અફઘાન વીડિયોમાંથી લેવામાં આવ્યા હતા."
સર્ચમાં આ વીડિયોનું લાંબુ વર્ઝન એક યુ-ટ્યુબ ચેનલ પર 24 ઓક્ટોબર 2013ના રોજ અપલોડ થયેલું મળી આવ્યું. મળતી માહિતી મુજબ, આ વીડિયો તાલિબાન વિરુદ્ધ અમેરિકાના ઓપરેશન સાથે સંબંધિત છે. અમને આ વીડિયો વિશે વિકિપીડિયા પર પણ માહિતી મળી, જે અહીં જોઈ શકાય છે.
અમને વાયરલ વીડિયો Military.com નામની વેબસાઇટ પર અપલોડ થયેલો મળી આવ્યો હતો. અહીં 18 જુલાઈ, 2012ના રોજ પ્રકાશિત થયેલા સમાચાર સાથે વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફૂટેજ 2009માં અફઘાનિસ્તાનમાં યુએસ ઓપરેશન દરમિયાન લેવામાં આવ્યું હતું.
વાયરલ પોસ્ટની પુષ્ટી કરવા માટે અમે પાકિસ્તાની પત્રકાર આદિલ અલીનો સંપર્ક કર્યો અને વાયરલ પોસ્ટ તેમની સાથે શેર કરી હતી. તેમણે અમને કહ્યું કે વાયરલ વીડિયો પાકિસ્તાનનો નથી.
હવે વારો હતો તે ફેસબુક યુઝરનું સોશિયલ સ્કેનિંગ કરવાનો જેણે નકલી પોસ્ટ શેર કરી હતી. અમને જાણવા મળ્યું કે આ યુઝરને બે હજાર લોકો ફોલો કરે છે. આ પેજ પાકિસ્તાનથી ચલાવવામાં આવે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં શોધી કાઢ્યું કે વાયરલ વીડિયોનો બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકિંગ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો 2012થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. અહેવાલો અનુસાર આ વીડિયો 2009માં અફઘાનિસ્તાનમાં અમેરિકાના ઓપરેશન સાથે સંબંધિત છે.
(Disclaimer: આ સમાચારનું ફેક્ટ ચેક vishvasnewsએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)