Pakistan Train Hijack News: બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકનો મામલો વધુ જટિલ બની રહ્યો છે. બલોચ લિબરેશન આર્મી અને પાકિસ્તાની સરકાર બંને અલગ અલગ દાવા કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાનો દાવો છે કે બધા આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે અને બંધકોને બચાવી લેવામાં આવ્યા છે. પાકિસ્તાને આ કાર્યવાહીમાં તેના ચાર સૈનિકોના મોતનો પણ સ્વીકાર કર્યો છે. દરમિયાન, BLAનો દાવો છે કે આ ઘટનામાં 100થી વધુ પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા હતા અને હજુ પણ 150ને બંધકો બનાવ્યા છે.
'ઓપરેશન અગાઉ આતંકવાદીઓએ 21 મુસાફરોની હત્યા કરી હતી'
જાફર એક્સપ્રેસ ટ્રેન પર થયેલા આતંકવાદી હુમલા અંગે ડીજી આઈએસપીઆરએ જણાવ્યું હતું કે, "11 માર્ચે બપોરે 1 વાગ્યે બોલનના દાદર વિસ્તારમાં આતંકવાદીઓએ ટ્રેનના પાટા ઉડાવી દીધા હતા અને મુસાફરોને બંધક બનાવ્યા હતા. ટ્રેનમાં 440 મુસાફરો સવાર હતા. સુરક્ષા દળો કાર્યવાહી શરૂ કરે તે પહેલાં આતંકવાદીઓએ 21 નિર્દોષ મુસાફરોની હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ 3-4 જૂથોમાં મુસાફરોને બંધક બનાવ્યા હતા. આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં તેમના હેન્ડલર્સ (વિદેશી હેન્ડલર્સ સહિત) સાથે વાત કરી રહ્યા હતા અને તેમની પાસેથી સૂચનાઓ લઈ રહ્યા હતા."
બધા આતંકવાદીઓ માર્યા ગયા - પાકિસ્તાન
ડીજી આઈએસપીઆરએ જણાવ્યું હતું કે, "સુરક્ષા દળોએ કાર્યવાહી કરી અને 33 આતંકવાદીઓને ઠાર માર્યા અને તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન કોઈ મુસાફર ઘાયલ થયો ન હતો. આ જઘન્ય અને કાયરતાપૂર્ણ હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓ સ્થળ પર જ માર્યા ગયા હતા."
તેમણે કહ્યું કે આતંકવાદીઓના હુમલામાં ત્રણ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા જ્યારે કાર્યવાહી દરમિયાન એક સૈનિકનું મોત નીપજ્યું હતું. તેમણે કહ્યું કે હવે બધા આતંકવાદીઓ અને તેમના વિદેશી હેન્ડલર્સ વિરુદ્ધ નિર્દયતાથી કાર્યવાહી કરવામાં આવશે.
150 સૈનિકો હજુ પણ અમારા બંધકો - BLAનો દાવો
બલોચ લિબરેશન આર્મી (BLA) એ ગઈકાલે (મંગળવાર, 11 માર્ચ, 2025) એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેમણે ફક્ત સેના અને ISI અધિકારીઓને બંધક બનાવ્યા છે અને બાકીનાને છોડી દીધા છે. આ પછી 12 માર્ચે BLA એ કહ્યું કે તેઓએ હમણાં જ 100 પાકિસ્તાની કર્મચારીઓને મારી નાખ્યા છે. BLA એ જણાવ્યું હતું કે તેમણે બુધવારે માત્ર એક કલાકમાં 50 બંધકોને મારી નાખ્યા હતા. બલૂચ લિબરેશન આર્મીએ જણાવ્યું હતું કે 11 માર્ચની રાત્રે પાકિસ્તાનના ડ્રોન હુમલાના જવાબમાં BLA એ 10 બંધકોને મારી નાખ્યા હતા. તેઓ દાવો કરી રહ્યા છે કે તેમની પાસે હજુ પણ 150 બંધકો છે.