પેશાવરઃ પાકિસ્તાનના પત્રકારના શીખ ભાઇની હત્યા મામલામાં પાકિસ્તાન પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાની પોલીસે દાવો કર્યો હતો કે મલેશિયામાં રહેતા રવિન્દ્રસિંહ લગ્ન કરવા માટે પાકિસ્તાન માટે આવ્યો હતો. તેના લગ્ન પ્રેમ કુમારી સાથે થવાના હતા પરંતુ તે રવિન્દ્રસિંહ સાથે લગ્ન કરવા માંગતી નહોતી. ત્યારે તેની મંગેતરે રવિન્દ્રને હટાવવા માટે સોપારી આપી તેની હત્યા કરાવી હતી. થોડા દિવસ અગાઉ ખૈબર પખ્તૂનવા પ્રાન્તના મર્દાનમાં એક શોપિંગ મોલમાં શૂટર્સે રવિન્દ્રની ગોળીઓ મારી હત્યા કરી દેવામાં આવી હતી. રવિન્દ્ર સિંહના મૃતદેહને પેશાવરમાં ફેંકી દેવાયો હતો.

રવિન્દ્રને ઠેકાણે લગાવવા માટે પ્રેમ કુમારીએ શૂટર્સને 7 લાખ રૂપિયા આપ્યા હતા. નોંધનીય છે કે પાકિસ્તાનના પેશાવરમાં એક અજ્ઞાત વ્યક્તિએ શીખ યુવક રવિન્દ્ર સિંહની હત્યા કરી હતી. પાકિસ્તાની પત્રકાર હરમીત સિંહના ભાઇ રવિન્દ્ર ખૈબર પખ્તૂનવા પ્રાન્તના શાંગલાનો રહેવાસી હતો. તે મલેશિયામાં રહેતો હતો અને પોતાના લગ્ન માટે ઘરે આવ્યો હતો. જે સમયે તેની હત્યા કરવામાં આવી ત્યારે તે લગ્ન માટે શોપિંગ માટે મોલમાં ગયો હતો.

નોંધનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયે શીખ યુવકની હત્યા પર કડક પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે લઘુમતીઓ વિરુદ્ધ થઇ રહેલી આવી ઘટનાઓને રોકવા માટે પગલા ઉઠાવે. ગુનામાં સામેલ દોષિતો વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી કરવામાં આવે. વિદેશ મંત્રાલયે નનકાના સાહિબ ગુરુદ્ધારા પર હુમલો અને એક શીખ યુવતી જગજીત કૌરનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવાની ઘટનાઓની નિંદા કરી હતી.