Kuwait: કુવૈતમાં પહેલીવાર હિન્દીમાં રેડિયો પ્રસારણ શરૂ થયું છે. કુવૈતના ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસે કુવૈત રેડિયો પર FM 93.3 અને AM 96.3 પર દર રવિવારે હિન્દી કાર્યક્રમ શરૂ કરવા બદલ કુવૈતના સંચાર મંત્રાલયની પ્રશંસા કરી હતી. ભારતીય દૂતાવાસે કહ્યું કે કુવૈત દ્વારા લેવામાં આવેલ આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.






સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે કુવૈતમાં પ્રથમ વખત હિન્દી રેડિયો પ્રસારણ શરૂ થયું! 21 એપ્રિલ 2024 થી દર રવિવારે (8:30 થી 9 PM) FM 93.3 અને AM 96.3 પર કુવૈત રેડિયો પર હિન્દી કાર્યક્રમ શરૂ કરવા માટે ભારતીય દૂતાવાસ કુવૈતના સંચાર મંત્રાલયની પ્રશંસા કરે છે. આ પગલાથી ભારત-કુવૈત સંબંધો વધુ મજબૂત બનશે.






ભારતીય સમુદાય કુવૈતમાં સૌથી મોટો વિદેશી સમુદાય છે


નોંધનીય છે કે કુવૈતમાં લગભગ 10 લાખ ભારતીયો રહે છે. તે દેશનો સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. કુવૈતમાં ભારતીયોને પસંદગીનો સમુદાય માનવામાં આવે છે. ઇજનેરો, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વૈજ્ઞાનિકો, સોફ્ટવેર નિષ્ણાતો, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, આર્કિટેક્ટ્સ, ટેકનિશિયન અને નર્સો જેવા વ્યાવસાયિકો ઉપરાંત રિટેલર્સ અને બિઝનેસમેન પણ અહીં રહે છે.


ભારત લાંબા સમયથી કુવૈતનું વેપારી ભાગીદાર છે. 2021-2022માં બંને દેશોએ રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. 17 એપ્રિલના રોજ કુવૈતમાં ભારતીય રાજદૂત આદર્શ સ્વાઇકાએ કુવૈતના નાયબ વડાપ્રધાન શેખ ફહદ યુસેફ સઉદ અલ સબા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતીય રાજદૂતે કુવૈત દ્વારા શરૂ કરાયેલા પ્રવાસી અનુકુળ પગલાંની પણ પ્રશંસા કરી હતી. કુવૈતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.