વોશિંગ્ટનઃ ટ્રમ્પ તંત્રએ અમેરિકામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જે સ્કૂલ અને કોલેજોમાં તમામ ક્લાસ ઓનલાઇન કરી દેવામાં આવ્યા છે ત્યાંના વિદેશી વિદ્યાર્થીએ અમેરિકા છોડવું પડશે અથવા બીજી સંસ્થામાં ટ્રાન્સફર કરાવવી પડશે. આ ફેંસલાથી 10 લાખ વિદેશી વિદ્યાર્થી પર અસર પડશે, જેમાં બે લાખથી વધારે ભારતીય છે.

હાલ અમેરિકામાં યુવાનોમાં કોરોના મામલા વધારે આવી રહ્યા છે તેવા સમયે જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોથી યુનિવર્સિટી કેમ્પસ ખોલવા પર વધારાનું દબાણ બન્યું છે. કોલેજોને પણ નવા દિશા નિર્દેશોની જાણકારી આપી દેવામાં આવી છે. હાર્વર્ડ યુનિવર્સિટી સહિત અનેક શૈક્ષણિક સંસ્થાએ ઓનલાઇન વર્ગોના આયોજનની જાહેરાત કરી દીધી છે.



નિયમો અંતર્ગત જ્યાં તમામ વર્ગો ઓનલાઈન થઈ રહ્યા છે ત્યાં વિદેશી વિદ્યાર્થીઓને નવા વીઝા આપવામાં નહીં આવે. જે કોલેજોમાં ઓનલાઈન અને ક્લાસરૂમ વર્ગ લેવામાં આવે છે ત્યાં પણ નવા સત્રથી વિદેશી વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસમાં પ્રવેશ નહીં આપવામાં આવે. પરિણામે કોરોના વાયરસા કારણે અમેરિકામાં ફસાયેલા વિદેશી વિદ્યાર્થીઓ માટે પરેશાની ઊભી થઈ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્કૂલ અને કોલેજોને વહેલી તકે વર્ગો શરૂ કરવા કહ્યું હતું. જેના ગણતરીના કલાકોમાં જ આ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રમ્પે ટ્વિટર પર કહ્યું હતું કે, "શરદઋતુમાં સ્કૂલો ફરી ખુલવી જોઈએ. ડેમોક્રેટ પાર્ટી રાજકીય કારણોથી સ્કૂલ બંધ રાખવા માંગ છે, સ્વાસ્થ્યના કારણોથી નહીં."