Former One Direction member Liam Payne: ઇગ્લિશ પૉપ બેન્ડ વન ડાયરેક્શનના (One Direction) ભૂતપૂર્વ સભ્ય અને સિંગર લિયામ પાયનેનું નિધન થયું છે. આર્જેન્ટિનામાં એક હોટલના ત્રીજા માળેથી પડી જવાથી તેમનું મોત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, લિયામ (31)નો મૃતદેહ બ્યૂનસ આયર્સની હોટલની બહારથી મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિયામ ડ્રગ્સના નશામાં હતા જેના કારણે ત્રીજા માળેથી પડીને તેમનું મોત થયું હતું.
પોલીસે નિવેદનમાં કહ્યું કે, તેમને ડ્રગ્સ અને આલ્કોહોલના નશામાં ધૂત એક વ્યક્તિ વિશે માહિતી મળી હતી, ત્યારબાદ તેઓ હોટલ પહોંચ્યા હતા. MTV (લેટિન અમેરિકન) એ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આજે અમે ખૂબ જ દુઃખી છીએ. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે લિયામના પરિવાર અને તેમના પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
એમટીવીએ એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'આજે લિયામ પાયનેના દુઃખદ અવસાન વિશે જાણીને અમને ખૂબ જ દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર, પ્રિયજનો અને ચાહકો સાથે છીએ. લિયામ જેમ્સ પાયને અંગ્રેજ સિંગર હતા. લિયામ વન ડાયરેક્શન બેન્ડના સભ્ય તરીકે જાણીતા હતા.
નોંધનીય છે કે વન ડાયરેક્શન પોપ બેન્ડના કારણે લિયામને ઈન્ટરનેશનલ લેવલ પર ઘણી ખ્યાતિ મળી હતી. આ બેન્ડની રચના 2010માં ધ એક્સ ફેક્ટર શો દરમિયાન કરવામાં આવી હતી. લિયામ ઉપરાંત આ બેન્ડમાં હેરી સ્ટાઈલ્સ, ઝાયન મલિક, નાયલ હોરાન અને લુઇસ ટોમિલસન પણ હતા. આ બેન્ડના તમામ સિંગર 2016માં અલગ થઈ ગયા હતા.
Liam Payne નિયાલ હોરાન સાથે એક મ્યૂઝિક પ્રોગ્રામ માટે આર્જેન્ટિના પહોંચ્યા હતા. બંને ફરી સાથે સ્ટેજ પર આવ્યા હતા. સિંગરે ભૂતકાળમાં ડ્રગ વ્યસન અને માનસિક સ્વાસ્થ્ય સાથેના તેના સંઘર્ષ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે બાલ્કનીમાંથી અકસ્માતે પડી ગયા હતા કે પછી તેઓ નશામાં હતા.