ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવના સમાચાર વચ્ચે જસ્ટિન ટ્રુડોએ મોટી કબૂલાત કરી હતી. ટ્રુડોએ સ્વીકાર્યું કે કેનેડાએ નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. ટ્રુડોએ સ્વીકાર્યું હતું કે તેમણે નિજ્જર હત્યાકાંડ સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી. ટ્રુડોની આ કબૂલાત મહત્વની છે કારણ કે એક તરફ કેનેડા દાવો કરી રહ્યું છે કે તેણે નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવા ભારતને આપ્યા છે. ભારતે આ દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કેનેડાએ નિજ્જરની હત્યા સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી.






નોંધનીય છે કે ગત વર્ષે કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને કેનેડા સરકાર દ્વારા આ ઘટનામાં ભારતની સંડોવણીના આરોપો બાદ બંને દેશો વચ્ચેનો તણાવ હવે કોઈનાથી છૂપાયેલો નથી. બંને દેશોએ એકબીજાના છ-છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે.


ટ્રુડોની મોટી કબૂલાત


વાસ્તવમાં ટ્રુડોએ હવે સ્વીકાર્યું છે કે તેમણે નિજ્જરની હત્યા અંગે ભારતને સાચા પુરાવા આપ્યા નથી. તેમણે કબૂલ્યું હતું કે નિજ્જરની હત્યા માટે ભારત પર જાહેરમાં આરોપ મૂકતા પહેલા કેનેડાએ માત્ર ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. પરંતુ આને લગતા કોઈ પુરાવા આપવામાં આવ્યા ન હતા.


ટ્રુડોએ કહ્યું કે મેં જી-20માં પીએમ મોદી સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ દરમિયાન મોદીએ મને કહ્યું કે કેનેડામાં ઘણા લોકો ભારત સરકાર વિરુદ્ધ બોલે છે અને તેઓ આ લોકોની ધરપકડ થાય તેવું ઇચ્છે છે


ભારતે પુરાવા ન આપવાનું કહ્યું હતું


ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે કેનેડા સરકારે આરોપોના પુરાવા આપ્યા નથી. ભારતે ટ્રુડો પર રાજકીય લાભ માટે વોટ બેન્કની રાજનીતિમાં સામેલ થવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે તેમની માંગણીઓ છતાં કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી.


ટ્રુડોએ ભારત પર આ આરોપ લગાવ્યો હતો


જસ્ટિન ટ્રુડો શાસને નિજ્જરની હત્યા માટે ભારત પર આરોપ લગાવ્યો હતો અને ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. સપ્ટેમ્બર 2023માં ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. ભારતે સ્પષ્ટપણે આવા આરોપોને ફગાવી દીધા હતા.


પીએમ ટ્રુડોએ કહ્યું કે કેનેડા એક એવો દેશ છે જે કાયદામાં વિશ્વાસ રાખે છે અને અમારા માટે અમારા નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. આ કારણે જ્યારે અમારી કાનૂની એજન્સીઓ અને ગુપ્તચર અધિકારીઓએ વિશ્વાસપાત્ર આક્ષેપો કર્યા હતા કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સીધા સામેલ હતા. અમે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.