લાહોરઃ ભારત સરકારે 5મી ઓગસ્ટે એક ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી હતી. આ બાદ ભારત અને પાડોશી દેશ પાકિસ્તાન વચ્ચે સતત અણબનાવ અને તણાવ વધી ગયો હતો. પાકિસ્તાને ભારત સાથેનો વેપારથી લઇને અનેક મુદ્દાઓ પર મોટા નિર્ણયો લીધા હતા. આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે આ મામલે પાકિસ્તાની ટીમના પૂર્વ ફાસ્ટ બૉલર અને સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તરે ભારતના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.


પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે આ મામલે મોટી વાત કરી, કહ્યું કે, બન્ને દેશોના લોકો આ મામલે વિવાદાસ્પદ ટિપ્પણી ના કરો.



અખ્તરે કહ્યું કે, “હું સ્વીકાર કરુ છુ કે અમારી સ્થિતિ ખરાબ છે અને હું એ પણ સ્વીકાર કરુ છું કે તમે તમારા દેશને પ્રેમ કરો છો અને અમે અમારા દેશને પ્રેમ કરીએ છીએ, વધારે ધૃણા કરવાનું કારણ ના બનો. કાશ્મીર મુદ્દે હાલની સ્થિતિને જોતા કોઇપણ ભડકાઉ નિવેદન ના આપવુ જોઇએ, ત્યાંના તણાવને ના વધારો.”



ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત સરકારના આ નિર્ણયને ખોટો ગણાવ્યો અને ગુસ્સે ઠાલવ્યો હતો, પાકિસ્તાન આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પણ લઇ ગયુ હતુ. એટલું જ નહીં ભારત સાથે યુદ્ધ કરવા સુધીની ધમકી પણ આપી દીધી હતી.