નવી દિલ્હીઃ પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ભારતે જાણ કર્યા વિના આજે સતલજ નદીમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડી દીધું છે જેનાથી પૂર જેવી સ્થિતિ પેદા થઇ છે. બીજી તરફ પંજાબ અને ખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તના ડિઝાસ્ટર મેનેજમેન્ટે સતલજ અને અલચી ડેમમાંથી પાણી છોડ્યા બાદ પૂર સંબંધિત એલર્ટ જાહેર કર્યું છે. ડોનના એક રિપોર્ટ અનુસાર, પંજાબના પીડીએમએએ સોમવારે જિલ્લાના ગંડાસિંહવાલા ગામમાં 125000 અને 175,000 ક્યૂસેક વચ્ચે પૂરનું પાણી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે. તે સિવાય સંબંધિત એજન્સીઓને સુરક્ષાત્મક ઉપાય કરવાના નિર્દેશ અપાયા છે. પીડીએમએ ખૈબર પખ્તૂનખ્વાના મહાનિર્દેશકે રવિવારે કહ્યું કે, ભારત તરફથી અચાનક એલચી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેનાથી સિંધુ નદીમાં પૂર જેવી સ્થિતિ પેદા થઇ શકે છે.

તેમણે એક ચેતવણી જાહેર કરતો પત્ર પણ લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પાણીને તાકબેલા ડેમ સુધી પહોંચતા 12 કલાક લાગશે જ્યારે ડેરા ઇસ્માઇલ ખાન સુધી પહોંચવામાં લગભગ 15થી 18 કલાક જેટલો સમય લાગશે. અધિકારીઓને કોઇ પણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે સિંધુ નદીની પાસે દેખરેખ રાખવાના નિર્દેશ અપાયા છે.

નોંધનીય છે કે જમ્મુ કાશ્મીર પાસેથી ખાસ રાજ્યનો દરજ્જો પાછા લીધા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા છે. પાકિસ્તાન ભારતના આંતરિક મામલા પર હસ્તક્ષેપ કરી રહ્યું છે.