Pakistan-India Relation: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જોકે ઈમરાન ખાને આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કર્યા છે. ઈમરાન ખાને કહ્યું હતું કે, તે પાકિસ્તાન અને ભારત વચ્ચે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ જ્યાં સુધી રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તામાં છે ત્યાં સુધી આમ થવાની કોઈ શક્યતા નથી.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ખાને ભારપૂર્વક જણાવ્યું હતું હતું કે, જો બંને પાડોશી દેશો એકબીજા સાથે વ્યાપાર પુન:સ્થાપિત કરે છે તો બંનેને શું આર્થિક લાભ થઈ શકે તેને લઈને પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. ઈમરાન ખાને (70) સોમવારે બ્રિટિશ અખબાર 'ધ ટેલિગ્રાફ'ને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી.
ઈમરાને કહ્યું હતું કે, જો બંને દેશો વચ્ચેના સંબંધો સારા થશે તો બંનેને ઘણો લાભ થઈ શકે છે. પરંતુ તેમણે કહ્યું કતું કે, કાશ્મીર મુદ્દો માર્ગમાં મુખ્ય અવરોધ છે. ઈમરાને કહ્યું, "મારા મતે આ શક્ય છે, પરંતુ ભારતમાં ભાજપ સરકાર ખૂબ જ કટ્ટરપંથી છે અને તે આ મુદ્દે રાષ્ટ્રવાદી અભિગમ ધરાવે છે. આ ખુબ નિરાશાજનક છે કારણ કે તમારી પાસે (સમાધાન માટે) કોઈ વિકલ્પ જ નથી. કારણ કે એકવાર રાષ્ટ્રવાદનું આ જિન બોટલની બહાર આવી જશે તો તેને ફરી પાછુ નાખવું ખુબ જ મુશ્કેલ છે.
પાકિસ્તાને જ ખરાબ કર્યા સંબંધો
ઈમરાન ખાન ભારત સાથે મધુર સંબંધોની વાત કરી રહ્યા છે, પરંતુ બંને દેશોના સંબંધો બગાડવાનો શ્રેય ખાનને જ જાય છે. 5 ઓગસ્ટ 2019 ના રોજ, ભારત સરકારે કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી નાખ્યો હતો. એ જ મહિને પાકિસ્તાને ઔપચારિક રીતે ભારત સાથેના સંબંધો તોડવાની શરૂઆત કરી હતી. ઈમરાને ખાને કહ્યું હતું કે, અમે અફઘાનિસ્તાન, ઈરાન અને ચીન સહિત પાકિસ્તાનના તમામ પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. અમે બંને દેશો વચ્ચે સારા સંબંધો ઈચ્છીએ છીએ. અમે નથી ઈચ્છતા કે ફરી એકવાર શીતયુદ્ધ જેવી સ્થિતિ ઉભી થાય. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર યુદ્ધો થયા છે અને દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો છે.
ઈમરાને ભારતના બે મોઢે વખાણ કરેલા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના ભારોભાર વખાણ કર્યા હતાં. ઈમરાન ખાને શાહબાઝ સરકારને ઘેરવા માટે ભારતના વખાણ કરતા કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન સાથે જ આઝાદ થયા હતાં પણ ભારતની વિદેશનીતિમાં મોટો ફરક છે. તેમણે ભારતીય વિદેશનીતિનું ઉદાહરણ આપતા પાકિસ્તાનની વર્તમાન સરકારને ગુલામ ગણાવી હતી. ઈમરાન ખાને પાર્ટીની લોંગ માર્ચને વીડિયો લિંકન માધ્યમથી સંબોધતા આમ કહ્યું હતું. પાકિસ્તાન તહરીક--ઈન્સાફ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને તેના પર કોઈનું પણ દબાણ નથી. આપણે ભારત પાસેથી શિખવાની જરૂર છે. ભારત ક્વાડમાં અમેરિકાની સાથે જરૂર છે તેમ છતાંયે તે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે. ગત એપ્રિલ મહિનામાં જ ઈમરાન ખાન વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતાં. ત્યારથી તેઓ સતત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા બદલ અનેકવાર જાહેરમાં ભારતના બે મોઢે વખાણ કરી ચુક્યા છે.