Joe Biden Cancer: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છે. 82 વર્ષીય બાઇડનના સ્વાસ્થ્ય અંગે તેમના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, ડોક્ટરોએ કહ્યું છે કે બાઇડન પ્રોસ્ટેટ કેન્સરના 'આક્રમક સ્વરૂપ'થી પીડિત છે. આ રોગ તેમના હાડકાં સુધી ફેલાઈ ગયો છે. બાઇડને પહેલા પેશાબની સમસ્યાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ ડોકટરોએ હાઇ-ગ્રેડ કેન્સર માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય અંગે જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાઇડનની હાલની સ્થિતિ હાડકામાં મેટાસ્ટેસિસનો સંકેત આપે છે.
પ્રોસ્ટેટ નોડ્યુલની શોધ બાદ બાઇડનના અનેક મેડિકલ ટેસ્ટ કરાયા હતા. ટેસ્ટ દરમિયાન ગ્લીસન સ્કોર 9 (ગ્રેડ ગ્રુપ 5) જોવા મળ્યો. આનાથી પુષ્ટી થઈ કે બાઇડનને હાઇ-ગ્રેડ કેન્સર છે. આ હાડકામાં મેટાસ્ટેસિસનો સંકેત આપે છે. તેમનો પરિવાર સારવાર અંગે ડોકટરોની સલાહ લઈ રહ્યો છે.
ટ્રમ્પે તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
બાઇડનના સ્વાસ્થ્ય વિશે માહિતી મળ્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, મેલાનિયા અને હું જો બાઇડનની તબીબી તપાસ વિશે સાંભળીને દુઃખી છીએ. અમારી સંવેદના જીલ અને સમગ્ર પરિવાર સાથે છે. ટ્રમ્પે બાઇડનને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પણ પાઠવી હતી.
ગયા અઠવાડિયે પણ બાઇડનના સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી હતી. પેશાબની સમસ્યાઓ વધ્યા પછી તેમના પ્રોસ્ટેટ નોડ્યુલની ફરીથી તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે આ રોગ તેમના હાડકાં સુધી ફેલાઈ ગયો છે. બાઇડનના કાર્યાલયમાંથી જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, આ રોગ વધુ આક્રમક હોવા છતાં તે હોર્મોન-સંવેદનશીલ પણ છે. તેનું અસરકારક રીતે સંચાલન કરી શકાય છે.
બાઇડનની રિકવરી મુશ્કેલ હોઈ શકે છે
સીએનએનના અહેવાલ મુજબ, બાઇડનના ડૉક્ટર કેવિન ઓ'કોનરે પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે તેમની રિકવરી જટિલ બની શકે છે. જો સ્થિતિ વધુ ખરાબ થાય તો તેમને વ્હીલચેરનો ઉપયોગ કરવો પડી શકે છે. જોખમ ઓછું કરવા માટે કર્મચારીઓએ તેમની સમસ્યાઓ ઓછી કરવા માટે ઘણા પ્રયાસો કર્યા. એરફોર્સ વન વિમાનમાં હવાઈ મુસાફરી માટે નાની સીડીઓનો ઉપયોગ થતો હતો. અહેવાલો અનુસાર, શારીરિક સ્વાસ્થ્યને કારણે બાઇડન ગયા વર્ષે જૂનમાં યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.