Turkiye on India:  Turkiyeના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદ પર નિવેદન આપી દુનિયાને ચોંકાવી હતી. તેમણે કહ્યું છે કે જો ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવશે તો તેમના દેશને ગર્વ થશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે તમામ બિન-સ્થાયી સભ્યોને એક પછી એક સુરક્ષા પરિષદનો સભ્ય બનવાની તક આપવી જોઈએ. મીડિયાના સવાલનો જવાબ આપતા તેમણે આ વાત કરી હતી


હાલમાં સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો છે, જેમાં ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ પાંચ દેશોનો ઉલ્લેખ કરીને એક પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે આ પાંચ દેશો કરતાં દુનિયા ઘણી મોટી છે. Turkiyeના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે જો ભારત જેવા દેશને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનાવવામાં આવે તો અમને ગર્વની લાગણી થશે. કાશ્મીર જેવા મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરનારા રિસેપ તૈયપ એર્દોગનના મોઢેથી આ વાતો સાંભળીને ઘણા લોકોને આશ્ચર્ય થયું છે.


એર્દોગને શું કહ્યું?


Turkiyeના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જો ભારત જેવા દેશને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનાવવામાં આવે તો અમને ખૂબ ગર્વ થશે. જેમ તમે બધા જાણો છો, વિશ્વ પાંચ દેશો કરતાં ઘણું મોટું છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આપણે કહીએ છીએ કે વિશ્વ પાંચ દેશોથી મોટું છે તો અમારો અર્થ માત્ર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા નથી. અમે સુરક્ષા પરિષદમાં માત્ર આ પાંચ દેશોને જ જોવા નથી માંગતા.


જોકે, એર્દોગને સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યો માટે રોટેશનલ મેમ્બરશિપની વાત કરી હતી. તેમણે કહ્યું કે હાલમાં યુએનએસસીના 15 સભ્યો છે, જેમાંથી પાંચ કાયમી છે અને 10 રોટેશનલ સભ્યો છે. અમારો પ્રસ્તાવ છે કે આ તમામને કાયમી સભ્યપદ આપવામાં આવે. તમામ દેશોને એક પછી એક યુએનએસસીના સભ્ય બનવાની તક મળવી જોઈએ. હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં 195 સભ્ય દેશો છે. તેથી અમે એક રોટેશનલ મિકેનિઝમ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં 195 દેશોને કાયમી સભ્ય બનવાની તક મળે છે.


એર્દોગન ભારત વિરોધી રહ્યા છે


વાસ્તવમાં Turkiyeને પાકિસ્તાન તરફી માનવામાં આવે છે. તે વિશ્વના કેટલાક દેશોમાં સામેલ છે જે કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. જો કે, આ તમામ વિવાદો વચ્ચે પણ વડાપ્રધાન મોદીએ જી-20 સમિટ દરમિયાન છેલ્લા બે વર્ષમાં બીજી વખત એર્દોગન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પીએમ મોદી છેલ્લે 2022માં સમરકંદમાં યોજાયેલી SCO સમિટમાં Turkiyeના રાષ્ટ્રપતિને મળ્યા હતા.