PM Modi Meets Volodymyr Zelenskyy: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટ માટે જાપાનના હિરોશિમાની મુલાકાતે છે. દરમિયાન, શનિવારે (20 મે) હિરોશિમામાં જી- 7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી.






ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પીએમ મોદી અને ઝેલેન્સકીની પ્રથમ મુલાકાત છે.  સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત બંને દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓ વચ્ચે ઘણી બેઠકો બાદ થઈ હતી. યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારોવા ગયા મહિને જ ભારતની મુલાકાતે આવ્યા હતા.


વાસ્તવમાં વડાપ્રધાન મોદી શુક્રવારે (19 મે) દેશો (જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા)ની છ દિવસીય મુલાકાતે હિરોશિમા જવા રવાના થયા હતા. તેઓ અહીં G7 સમિટના ત્રણ સત્રમાં ભાગ લેશે. આ સાથે તેઓ અહીં વિશ્વના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.


વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે  યુક્રેન યુદ્ધ વિશ્વ માટે એક મોટો મુદ્દો છે. આ યુદ્ધની અસર આખી દુનિયા પર થઇ છે. હું તેને માત્ર એક મુદ્દો નથી માનતો, પરંતુ મારા માટે તે અર્થતંત્ર, રાજકારણ અને માનવતાનો મુદ્દો છે. ભારત અને હું યુદ્ધને ઉકેલવા માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. તમે (યુક્રેન) આપણા બધા કરતાં વધુ જાણો છો કે યુદ્ધની પીડા શું છે. યુક્રેન મારા માટે માનવતાનો મુદ્દો છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા.


યુક્રેને શું કહ્યું?


યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પણ G7 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના આમંત્રણ પર અહીં આવ્યા છે. યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ પરિષદના સચિવ ઓલેકસી ડેનિલોવે જણાવ્યું હતું કે ઝેલેન્સકી સમિટમાં ભાગ લઈ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે મહત્વપૂર્ણ વિષયો પર નિર્ણય લેવામાં આવશે, આ સ્થિતિમાં તેમના હિતોની સુરક્ષા માટે તેમની હાજરી જરૂરી રહેશે.


ઝેલેન્સકીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો


યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારોવા ગયા મહિને ભારતની મુલાકાતે આવ્યા હતા. યુક્રેન સામે રશિયન આક્રમણ શરૂ થયા બાદ યુક્રેનના અગ્રણી નેતાની ભારતની આ પ્રથમ મુલાકાત હતી. આ દરમિયાન ઝાપરોવાએ વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીને એક પત્ર સોંપ્યો હતો. આ પત્ર ઝેલેન્સકીએ પીએમ મોદીના નામે લખ્યો હતો.


યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી છે. ગયા વર્ષે 4 ઑક્ટોબરે ઝેલેન્સકી સાથેની ટેલિફોનિક વાતચીતમાં મોદીએ કહ્યું હતું કે યુક્રેન સંકટનો કોઈ સૈન્ય ઉકેલ હોઈ શકે નહીં અને ભારત કોઈપણ શાંતિ-નિર્માણ પ્રયાસમાં સહયોગ કરવા તૈયાર છે.


યુક્રેન પર રશિયાના હુમલાની ભારતે હજુ સુધી નિંદા કરી નથી. તેણે હંમેશા કહ્યું છે કે આ સંકટનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા થવો જોઈએ. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે આ વખતે પીએમ મોદી અને ઝેલેન્સકી વચ્ચે શું ચર્ચા થાય છે?