જર્મનીની સંસદે સોમવારે ચાન્સેલર ઓલાફ શોલ્ઝ અને તેમની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. જેના કારણે 23 ફેબ્રુઆરી 2025ના રોજ વહેલી ચૂંટણીનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો હતો. 733 સાંસદોમાંથી માત્ર 207એ શોલ્ઝની તરફેણમાં મતદાન કર્યું જ્યારે 394 સાંસદોએ વિરોધ કર્યો હતો. સંસદના સ્પીકર બાર્બેલ બાસે આ નિર્ણયની જાહેરાત કરી હતી. હાલમાં વિશ્વાસ પ્રસ્તાવની હારને કારણે શોલ્ઝની સરકાર મુશ્કેલીમાં છે.






હવે 23 ફેબ્રુઆરી 2025ના રોજ જર્મનીમાં ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ગઠબંધનની સમસ્યાઓ અને આર્થિક નીતિઓ પરના વિવાદોને કારણે શોલ્ઝની સરકાર સંકટમાં હતી. સંસદના સ્પીકર બાર્બેલ બાસે આ નિર્ણયની જાહેરાત કરી અને કહ્યું કે આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.


શા માટે શોલ્ઝનો વિરોધ કરવામાં આવ્યો?


શોલ્ઝની સરકારના સંકટની શરૂઆત ગયા મહિને થઈ જ્યારે તેમની ત્રણ પક્ષોની ગઠબંધન સરકાર પડી ગઇ હતી. નાણા પ્રધાન ક્રિશ્ચિયન લિંડનરને નવેમ્બરમાં બજેટ અને આર્થિક નીતિઓ પર મતભેદને કારણે દૂર કરવામાં આવ્યા હતા. આ પછી લિન્ડનરની પાર્ટી ફ્રી ડેમોક્રેટ્સ (FDP) એ ગઠબંધનમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો. આનાથી શોલ્ઝના સોશિયલ ડેમોક્રેટ્સ (SPD) અને ગ્રીન્સને સંસદમાં બહુમતથી વંચિત કરવામાં આવ્યા હતા.


આ કટોકટી જર્મની માટે નિર્ણાયક તબક્કે આવી છે, જ્યારે દેશની અર્થવ્યવસ્થા ધીમી ગતિથી આગળ વધી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ નબળી છે અને લશ્કરી સજ્જતાનો પણ અભાવ છે. જર્મન બંધારણ મુજબ, જો ચાન્સેલર વિશ્વાસ મત ગુમાવે છે તો રાષ્ટ્રપતિ સંસદ ભંગ કરી શકે છે અને ચૂંટણીઓ કરાવી શકે છે.


રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સંસદ ભંગ કરશે


હવે રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટાઇનમિયરે 21 દિવસમાં સંસદ ભંગ કરવી પડશે અને 60 દિવસમાં ચૂંટણી યોજવી પડશે. આગામી ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ગયો છે. વિરોધ પક્ષોએ પણ તેમના ચાન્સેલરના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સોશિયલ ડેમોક્રેટ્સે તેમના ચાન્સેલર ઉમેદવાર તરીકે શોલ્ઝની ફરીથી પસંદગી કરી છે. જ્યારે વિપક્ષી સીડીયુ પાર્ટીના નેતા ફ્રેડરિક મર્ઝ પણ ટોચના પદ માટે મેદાનમાં છે.


અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર