Hamas: હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ યાહ્યા સિનવારને હમાસના વડા બનાવવામાં આવ્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ હમાસે કહ્યું હતું કે, " હમાસે આંદોલનના રાજકીય બ્યૂરોના વડા તરીકે કમાન્ડર યાહ્યા સિનવારની પસંદગીની જાહેરાત કરી છે. યાહ્યા શહીદ કમાન્ડર ઇસ્માઇલ હાનિયાનું સ્થાન લેશે." એજન્સીના જણાવ્યા અનુસાર સિનવાર ઈઝરાયલ સાથે યુદ્ધની શરૂઆતથી ગાઝામાં છે.






એક શરણાર્થી શિબિરમાં થયો હતો જન્મ


યાહ્યા સિનવારે તેની અડધી યુવાની ઇઝરાયલની જેલમાં વિતાવી છે અને હાનિયાની હત્યા બાદ તે હમાસના સૌથી શક્તિશાળી નેતા છે. યાહ્યા સિનવાર ગાઝાના ખાન યુનિસમાં શરણાર્થી શિબિરમાં જન્મ્યા હતા અને 2017માં ગાઝામાં હમાસના નેતા તરીકે ચૂંટાયા હતા. તે ઈઝરાયલના કટ્ટર દુશ્મન તરીકે જાણીતા છે.


ઈસ્માઈલ હાનિયાની કેવી રીતે થઈ હતી હત્યા?


રિપોર્ટ અનુસાર ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ એક નિવેદનમાં કહ્યું કે ઈસ્માઈલ હાનિયાની તેહરાનમાં તેમના નિવાસસ્થાનને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી છે. જો કે, યુનાઇટેડ સ્ટેટ્સે હત્યાના કાવતરા અંગે અગાઉથી માહિતી મેળવવાનો ઇનકાર કર્યો હતો. લેબનોનના બેરૂતમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના સાથી હિઝબુલ્લાહના લશ્કરી કમાન્ડર ફુઆદ શુકર માર્યા ગયાના થોડા કલાકો બાદ જ હાનિયાનું મૃત્યુ થયું હતું.  


સિનવાર વિશે માહિતી આપનારને 4 લાખ ડોલરનું ઈનામ


હાલમાં ઇઝરાયલના અધિકારીઓ માને છે કે સિનવાર પણ 7 ઓક્ટોબર, 2023ના રોજ થયેલા હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક છે. તેમના સિવાય ગાઝામાં સૈન્ય વિંગના કમાન્ડર મોહમ્મદ દઇફે ઓક્ટોબરમાં આ હુમલાની યોજના બનાવી હતી, જેમાં હજારો નિર્દોષ ઇઝરાયલીઓ માર્યા ગયા હતા અને 200થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. આ પછી તરત જ ઇઝરાયલની સેનાએ ગાઝામાં પત્રિકાઓ ફેંકી હતી, જેમાં સિનવાર વિશે માહિતી આપનારને 4 લાખ ડોલરનું ઇનામ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ પછી પણ ગાઝામાં લોકોએ તેમના નેતા વિશે કોઈ માહિતી આપી ન હતી. કથિત રીતે સિનવાર ત્યારથી ગાઝાના ગાઢ ટનલ નેટવર્કમાં છૂપાયેલો છે અને અંદરથી હમાસની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી રહ્યો છે.