Bangladesh Crisis: બાંગ્લાદેશમાં (Bangladesh) છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ બાદ વચગાળાની સરકાર બનવા જઈ રહી છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં બંગા ભવન (રાષ્ટ્રપતિ હાઉસ) ખાતે એક બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ વચગાળાની સરકારનું નેતૃત્વ કરવાના મોહમ્મદ યુનુસના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. અનામત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓની સાથે ત્રણેય સેનાના વડાઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
ગરીબી સામે લડવામાં તેમના કામ માટે 'ગરીબોના બેન્કર' તરીકે જાણીતા મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી હતા.
કોણ છે મોહમ્મદ યુનુસ?
મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના કટ્ટર વિરોધી છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડવા પાછળનું આ પણ એક મુખ્ય કારણ માનવામાં આવે છે. યુનુસ અને તેમના દ્વારા સ્થાપિત ગ્રામીણ બેન્કને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. કારણ કે, તેમણે ગ્રામીણ ગરીબોને 100 ડોલરથી ઓછી રકમની નાની લોન આપીને લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ગરીબ લોકોને મોટી બેન્કો તરફથી કોઈ મદદ મળી શકી નથી.
તેમના લોન મોડેલે વિશ્વભરમાં આવી ઘણી યોજનાઓને પ્રેરણા આપી. આમાં અમેરિકા જેવા વિકસિત દેશોનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં યુનુસે એક અલગ બિન-લાભકારી સંસ્થા ગ્રામીણ અમેરિકા પણ શરૂ કરી હતી. 84 વર્ષીય યુનુસ જેમ જેમ સફળ થયા તેમ તેમ રાજકારણમાં કારકિર્દી બનાવવા તરફ તેમનો ઝુકાવ વધતો ગયો. તેમણે 2007માં પોતાની પાર્ટી બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે તેની મહત્વાકાંક્ષાએ મોટું સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું ત્યારે શેખ હસીના ગુસ્સે થઈ ગયા. હસીનાએ યુનુસ પર 'ગરીબોનું લોહી ચૂસવાનો' આરોપ પણ લગાવ્યો હતો.
2011માં હસીના સરકારે તેમને ગ્રામીણ બેંકના વડા પદ પરથી હટાવી દીધા હતા. ત્યારે સરકારે કહ્યું હતું કે 73 વર્ષીય યુનુસ 60 વર્ષની કાયદાકીય નિવૃત્તિની ઉંમર પછી પણ આ પદ પર છે. ત્યારબાદ લોકોએ તેમની બરતરફીનો વિરોધ કર્યો હતો. હજારો બાંગ્લાદેશીઓએ વિરોધમાં માનવ સાંકળ રચી હતી.આ વર્ષે જાન્યુઆરીમાં યુનુસને શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.