Israel Hamas War :આતંકવાદી સંગઠન હમાસનો વધુ એક કમાન્ડર ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે. જેની ઓળખ બિલાલ અલ કેદરા તરીકે થઈ છે. બિલાલ અલ-કેદરા હમાસના નુખ્બા ફોર્સનો કમાન્ડર હતો. નુખ્બા ફોર્સ હમાસની નૌકાદળનું વિશેષ દળ એકમ છે. ઇઝરાયેલની વાયુસેનાએ એક નિવેદન જાહેર કર્યું કે,તેમને બાતમી મળી હતી કે બિલાલ અલ-કેદરા દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસ વિસ્તારમાં હાજર છે. ઈઝરાયેલની વાયુસેનાએ કહ્યું કે, ગુપ્તચર માહિતીને પગલે હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બિલાલ અલ-કેદરાનો ખાતમો થયો છે.  ઈઝરાયેલની વાયુસેનાએ દાવો કર્યો છે કે તેના હુમલામાં હમાસના અન્ય ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.


ઇઝરાયલે હમાસના કમાન્ડર યાહ્યા સિનવારને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈઝરાયેલે હમાસના કમાન્ડર યાહ્યા સિનવારને પેલેસ્ટાઈનનો ઓસામા બિન લાદેન ગણાવ્યો હતો.ઈઝરાયેલની સેનાના મતે યાહ્યા સિનવાર દેશના ઈતિહાસના સૌથી ભયાનક આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.


ગાઝામાં સામાન્ય લોકોની સ્થિતિ હાલ દયનિય બની ગઇ છે.  નિર્દોષ લોકો આ યુધ્ધની બલિ ચઢી રહ્યાં છે.  લોકો ખોરાક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બ્રેડના એક કે બે પેકેટ ખરીદવા લોકોને કલાકો સુધી લાંબી કતારોમાં રાહ જોવી પડે છે. ગાઝામાં બેકરીઓ બંધ થઈ રહી છે, અને જે ખુલ્લી રહે છે તેમની પાસે લાંબી કતારો છે.




ઈઝરાયેલે પાણી પુરવઠો બંધ કર્યા બાદ ગાઝાના લોકો હવે કુવાઓનું ગંદુ પાણી પીવા માટે મજબૂર છે, જેના કારણે પાણી સંબંધિત બીમારીઓનો ખતરો વધી ગયો છે.


ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે એક અપડેટ જારી કર્યું હતું કે હમાસના હુમલામાં ઘાયલ થયેલા 377 લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 99ની હાલત ગંભીર છે અને તેમાંથી 191ની હાલત સારી છે. હમાસ સાથે યુદ્ધની શરૂઆતથી, 3,715 ઘાયલોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.


અલ જઝીરાના અહેવાલ મુજબ, દક્ષિણ ઇઝરાયેલના શહેર સ્દેરોટની સ્થિતિ તંગ છે. ગયા અઠવાડિયે, હમાસના અલ-કાસમ બ્રિગેડે આ  શહેરમાં હુમલો કર્યો હતો. આ પછી ઈઝરાયેલના અધિકારીઓએ ત્યાંના લોકોને સલામત સ્થળે જવાની વિનંતી કરી હતી. જો કે શહેની  વસ્તીના 25 થી 30 ટકા, જે આશરે 7,000 લોકો હશે જેને  શહેર છોડવાની ના પાડી દીધી છે.