Israel And Hamas War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હવે વધુ વિકરાળ બની ચૂક્યુ છે. ઇઝરાયેલ તાબડતોડ હુમલાઓ કરીને હમાસને ખતમ કરી રહ્યું છે. તાજેતરમાં જ ઇઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો છે. ઇઝરાયેલે ગાઝાના નુસરત કેમ્પમાં આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળા પર હુમલો કર્યો છે, જેમાં 17 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. રૉઇટર્સના અહેવાલ મુજબ મૃત્યુ પામેલાઓમાં 11 મહિનાનું બાળક પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર, 32 લોકો ઘાયલ છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.
આ પહેલીવાર નથી કે જ્યારે ઇઝરાયેલની સેનાએ એવી શાળાને નિશાન બનાવી હોય જેમાં હજારો વિસ્થાપિત પરિવારો રહે છે. ટેમ્પરરી કેમ્પ અને શેલ્ટર હૉમ પર પણ ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાઓમાં ઘણીવાર મહિલાઓ અને બાળકોના મોત થાય છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના જવાબી હુમલામાં 42,000 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાંથી અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે.
ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે તેણે કોઈ પુરાવા આપ્યા વિના 17,000 થી વધુ લડવૈયાઓને મારી નાખ્યા છે. આ યુદ્ધને કારણે ગાઝાની 2.3 મિલિયન વસ્તીમાંથી લગભગ 90 ટકા લોકો વિસ્થાપિત થયા છે. ઘણા વિસ્તારો કાટમાળમાં ધકેલાઈ ગયા છે, જેના કારણે સેંકડો લોકો તંબુ કેમ્પમાં રહેવા મજબૂર છે.
18 પેલેસ્ટેનિયનની ઇઝરાયેલે કરી ધરપકડ
રૉઇટર્સના અહેવાલ મુજબ, બુધવારે (23 ઓક્ટોબર 2024) ઇઝરાયેલી સેનાએ પશ્ચિમ કાંઠે પત્રકાર અને ભૂતપૂર્વ કેદીઓ સહિત ઓછામાં ઓછા 18 પેલેસ્ટિનિયનોની ધરપકડ કરી હતી. પેલેસ્ટિનિયન પ્રિઝનર્સ સોસાયટીના જણાવ્યા અનુસાર, ગાઝા પર યુદ્ધની શરૂઆતથી ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા 11,400 થી વધુ થઈ ગઈ છે.
રશિયાના કઝાનમાં આયોજિત 16મી બ્રિક્સ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ગાઝામાં યુદ્ધવિરામ અને લેબનાનમાં યુદ્ધનો ફેલાવો રોકવાના પ્રયાસો થશે. શી જિનપિંગે ભારપૂર્વક કહ્યું, “પેલેસ્ટાઈન અને લેબનાનમાં વધુ વિનાશ થવો જોઈએ નહીં. આપણે શાંતિ માટે સ્થિર ફોર્સ બનાવવા માટે સાથે આવવું જોઈએ."
આ પણ વાંચો
War: શું છે પુતિનની 'કસમ', જેને ઝેલેન્સ્કી માની લે તો ખતમ થઇ જશે રશિયા-યૂક્રેન યુદ્ધ ?