US Helicopter Crash: અમેરિકાના ન્યૂજર્સીમાં રવિવારે એક ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ન્યૂજર્સીમાં બે હેલિકોપ્ટર ટકરાતા એક વ્યક્તિનું મોત થયું હતું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાના ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અહેવાલો અનુસાર, બે હેલિકોપ્ટર હવામાં ટકરાયા હતા.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ અકસ્માતને હેમંન્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પર એક એન્સ્ટ્રોમ F-28A હેલિકોપ્ટર અને એન્સ્ટ્રોમ 280C હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટક્કર થઈ હતી. બંને વિમાનોમાં ફક્ત તેમના પાઇલટ્સ હતા. એક પાઇલટનું મૃત્યુ થયું, જ્યારે બીજાને જીવલેણ ઇજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
હવામાં ટક્કર બાદ હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવી દીધું, પછી ક્રેશ થયું અને આગ લાગી હતી. આ ઘટના ન્યૂજર્સીના એટલાન્ટિક કાઉન્ટીમાં હેમંન્ટન મ્યુનિસિપલ એરપોર્ટ નજીક બની હતી. આ અકસ્માતના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં એક હેલિકોપ્ટર નિયંત્રણ ગુમાવી રહ્યું છે અને ક્રેશ થતાં પહેલાં ઝડપથી ફરતું દેખાય છે.
લોકોમાં ડરનો માહોલ
X પરના ઇમરજન્સી એલર્ટ પેજ મુજબ, આ ટક્કર 100 બેસિન રોડ નજીક થઈ હતી. અહેવાલ મુજબ, ટક્કર પછી એક હેલિકોપ્ટર જંગલવાળા વિસ્તારમાં ક્રેશ થયું હતું. એક ઘાયલ વ્યક્તિને ઘટનાસ્થળેથી બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય સંભવિત ઘાયલોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાસ્થળના ઘણા વીડિયોમાં વિસ્તારમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોવા મળે છે. દરમિયાન, નવી ક્લિપ્સમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં પહેલાં અનિયંત્રિત રીતે ફરતું જોવા મળે છે, જે અકસ્માતની ગંભીરતાનો ખ્યાલ આપે છે.
અકસ્માતની તપાસ કરતી એજન્સીઓ
હેમંન્ટન પોલીસ વડા કેવિન ફ્રીલે જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનાના અહેવાલ મળ્યા બાદ રવિવારે સવારે લગભગ 11:25 વાગ્યે બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે કહ્યું કે એક વ્યક્તિનું મોત થયું છે અને બીજાને જીવલેણ ઇજાઓ સાથે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ફ્રીલે કહ્યું કે FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને અકસ્માતની જાણ કરવામાં આવી છે અને તેઓ તપાસ કરશે.