Hindu Temple In Taiwan : દુનિયામા કેટલાય દેશો વચ્ચે તણાવ, ઘર્ષણ અને યુદ્ધની સ્થિતિ છે, ભારતની પણ બે દેશોની સીમાઓ પર ઘર્ષણની સ્થિતિ છે, એકબાજુ પાકિસ્તાન છે તો બીજીબાજુ ચીન છે. આ બન્ને દેશો સાથે ભારતનો તણાવ રહે છે. પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર એ છે કે, ચીનના દુશ્મન દેશ ગણાતા તાઇવાનમાં ભારતીય સમુદાય અને હિન્દુ ધર્મનો દબદબો વધી રહ્યો છે, ખરેખરમાં તાઇવાન બૌદ્ધિક ધર્મ સાથે સંકળાયેલો દેશ છે, પરંતુ હવે અહીં હિન્દુ મંદિરો બનવાના શરૂ થયા છે. 


હાલમાં તાઇવાનમાં એક હિન્દુ મંદિર ચર્ચાનો વિષય બનેલું છે, જેનું તાજેતરમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ મંદિર તાઇવાનની રાજધાની તાઈપેઈમાં આવેલું છે. આ મંદિરને તાઇવાન અને ભારત વચ્ચેના સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ કહેવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આનાથી બંને દેશોના સાંસ્કૃતિક સંબંધો પર ઊંડી અસર પડશે.


સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તાઇવાનના આ એકમાત્ર હિન્દુ મંદિરનું નામ 'સબકા મંદિર' રાખવામાં આવ્યું છે. જેના કારણે હિન્દુ સમુદાયમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. WION ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં તાઇવાનમાં રહેતા ભારતીય નાગરિક સના હાશ્મીએ કહ્યું કે 'આ મંદિરની સ્થાપના ભારતમાં ભારતીય સમુદાય સાથે સૌહાર્દપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે તાઈવાનની ઊંડી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. મંદિરનું ઉદઘાટન એ ભારત-તાઈવાન સંબંધોની સાંસ્કૃતિક વાર્તામાં એક ઐતિહાસિક ક્ષણ છે.


મંદિરને મહત્વપૂર્ણ બતાવી રહ્યાં છે લોકો - 
તાઇવાનમાં IIT-ઇન્ડિયન્સના સ્થાપક ડૉ. પ્રિયા લાલવાણી પર્સવેનીએ પણ 'સબકા મંદિર' પર પ્રતિક્રિયા આપી હતી. તેમને કહ્યું કે તે માત્ર તાઇવાનમાં રહેતા ભારતીયો માટે જ નહીં પરંતુ તાઈવાનના નાગરિકો માટે પણ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે, આ સિદ્ધિનો શ્રેય તાઈવાનમાં બે દાયકાથી સ્થાયી થયેલા ભારતીય પ્રવાસી અને એક પ્રખ્યાત ભારતીય રેસ્ટોરન્ટના માલિક એન્ડી સિંહ આર્યને આપવામાં આવે છે.


ભગવાન શંકર અને શ્રીરામની સ્થાપિત છે પ્રતિમા - 
"સબકા મંદિર" માં ભગવાન શંકર, ભગવાન શ્રીરામ અને અન્ય દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે. જેના કારણે તાઈવાનમાં રહેતા હિન્દુ સમુદાયના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તાઈવાનમાં રહેતા કેટલાક ભારતીયો આ સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તે તાઇવાનનું પહેલું મંદિર હોવાનું માનવામાં આવે છે જ્યાં ભારતીય સમુદાય એકત્ર થઈ શકે છે, આ જગ્યાએ પહેલાથી જ "ઈસ્કોન મંદિર" અને ભગવાન ગણેશનું મંદિર હતું. તાઈવાને તાજેતરમાં મુંબઈમાં તાઈપેઈ ઈકોનૉમિક એન્ડ કલ્ચરલ સેન્ટર સ્થાપવાની યોજના વિશે માહિતી આપી હતી.