AIDS Epidemic: HIV નિવારણ અને સારવાર કાર્યક્રમો માટે આંતરરાષ્ટ્રીય ભંડોળમાં કાપ મૂકવાથી ગંભીર કટોકટી ઊભી થઈ શકે છે. ગુરુવારે (27 માર્ચ) પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, HIV નિવારણ અને સારવાર કાર્યક્રમો માટે આંતરરાષ્ટ્રીય ભંડોળમાં કાપ મૂકવાથી 2030 સુધીમાં 10 મિલિયનથી વધુ ચેપ અને લગભગ 30 લાખ મૃત્યુ થઈ શકે છે. લેન્સેટ HIV જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ વાત કહેવામાં આવી છે.


ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બર્નેટ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં 2026 સુધીમાં વૈશ્વિક HIV ભંડોળમાં અંદાજિત 24 ટકાના ઘટાડાની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને નેધરલેન્ડ સહિતના મુખ્ય દાતાઓએ 8 થી 70 ટકા સુધીની સહાય કાપની જાહેરાત કર્યા પછી આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ પાંચ દેશો વૈશ્વિક HIV સહાયના 90 ટકાથી વધુ ભંડોળ પૂરું પાડે છે.


HIV ભંડોળમાં ઘટાડો લાખો નવા ચેપ અને મૃત્યુનું જોખમ વધારે છે


સંશોધકોના મતે, જો યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટન સહિત ટોચના પાંચ દાતા દેશો દ્વારા પ્રસ્તાવિત ભંડોળ કાપ ઘટાડવામાં નહીં આવે, તો 2025 અને 2030 ની વચ્ચે 4.4 થી 10.8 મિલિયન નવા HIV ચેપ અને 770,000 થી 2.9 મિલિયન મૃત્યુ થઈ શકે છે. HIV ભંડોળમાં વિશ્વનો સૌથી મોટો ફાળો આપનાર યુનાઇટેડ સ્ટેટ્સે 20 જાન્યુઆરીએ નવા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ તમામ સહાય બંધ કરી દીધી હતી. અભ્યાસ મુજબ, રાષ્ટ્રપતિની એઇડ્સ રાહત યોજના (PEPFAR) ગુમાવવાથી અને અન્ય ભંડોળ કાપથી 2030 સુધીમાં HIV/AIDS નાબૂદ કરવાની પ્રગતિમાં અવરોધ આવી શકે છે.


યુએસ ફંડિંગ કાપથી HIV નિવારણ પર મોટી અસર પડે છે


"યુનાઇટેડ સ્ટેટ્સે HIV સારવાર અને નિવારણને સુધારવા માટેના વૈશ્વિક પ્રયાસોમાં સૌથી મોટું યોગદાન આપ્યું છે, પરંતુ વર્તમાન કાપ એન્ટિરેટ્રોવાયરલ થેરાપી, HIV પરીક્ષણ અને નિવારણ જેવી આવશ્યક સેવાઓની પહોંચને અવરોધી રહ્યો છે," બર્નેટ ઇન્સ્ટિટ્યૂટના સહ-અભ્યાસ લેખક ડૉ. ડેબ્રા ટેન બ્રિંકે જણાવ્યું હતું. અભ્યાસના તારણો દર્શાવે છે કે સબ-સહારન આફ્રિકા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથો જેમ કે ડ્રગ્સનું ઇન્જેક્શન લેતા લોકો, સેક્સ વર્કર્સ અને પુરુષો સાથે સેક્સ કરનારા પુરુષો, તેમજ બાળકો, સૌથી વધુ પ્રભાવિત થશે.


HIV સંકટને રોકવા માટે ભંડોળની જરૂર છે


સંસ્થાના સહ-લેખક ડૉ. રોવાન માર્ટિન-હ્યુજીસે જણાવ્યું હતું કે, સબ-સહારન આફ્રિકામાં કોન્ડોમ વિતરણ અને પ્રી-એક્સપોઝર પ્રોફીલેક્સીસ (PrEP) જેવી દવાઓ આપવા સહિત વ્યાપક નિવારણ પ્રયાસોમાં પણ ઘટાડો જોવા મળશે. ડૉ. બ્રિંકે વધુમાં ઉમેર્યું હતું કે ટકાઉ ધિરાણ સુનિશ્ચિત કરવું અને HIV રોગચાળાના પુનરુત્થાનને ટાળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તેના વિનાશક પરિણામો સમગ્ર વિશ્વમાં જોવા મળી શકે છે.