Women’s Prison in Honduras: હોન્ડુરાસની એક મહિલા જેલમાં હૃદયને હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે જેલમાં 41 મહિલા કેદીઓના મોત થયા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને બે ગેંગ વચ્ચેની હિંસામાં દાઝી જવાથી કેદીઓના મોત થયા છે. પોલીસ અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.


હોન્ડુરાસની નેશનલ પોલીસ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રવક્તા યુરી મોરાએ સમગ્ર ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. તેઓએ કહ્યું છે કે મોટાભાગની પીડિતો દાઝી ગઈ હતી. જ્યારે કેટલાકને ગોળી પણ વાગી છે.


અમેરિકાના હોન્ડુરાસની મહિલા જેલમાં ગેંગવોર


હોન્ડુરાસની રાષ્ટ્રીય પોલીસ તપાસ એજન્સીના પ્રવક્તા યુરી મોરાએ જણાવ્યું હતું કે પીડિતોમાંથી 26  મહિલા કેદીઓ દાઝી જવાથી મોતને ભેટી હતી જ્યારે અન્યને ગોળી વાગી હતી. એસોસિએટેડ પ્રેસે અહેવાલ આપતા કહ્યું  કે આ ઘટના હોન્ડુરાસની રાજધાની તેગુસિગાલ્પાના ઉત્તરપશ્ચિમમાં લગભગ 30 માઈલ (50 કિલોમીટર) દૂર તમરા જેલમાં બની હતી. ગંભીર રીતે ઘાયલ મહિલા કેદીઓને તેગુસીગાલ્પા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.


રાષ્ટ્રપતિ શિમારાએ વ્યક્ત કર્યું દુખ, ગણાવી દુખદ ઘટના 


દેશના રાષ્ટ્રપતિ શિમારા કાસ્ટ્રોએ કહ્યું કે હું આ ઘટનાથી સ્તબ્ધ છું, હું આ ઘટના પછી કડક પગલાં લેવાનું વચન આપું છું, આ માટે જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તોફાનનું કાવતરું વહીવટીતંત્રની સામે ગેંગ દ્વારા ઘડવામાં આવ્યું છે.


ગેંગવોરમાં 41 મહિલા કેદીઓના મોત


દેશની જેલ પ્રણાલીના વડા જુલિસા વિલાનુવાએ સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે રમખાણોમાં સામેલ સંગઠિત ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે જેલોની અંદર ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવા માટે થોડા દિવસો પહેલા કડક પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ જ કારણ છે કે આ હંગામો થયો.


તમને જણાવી દઈએ કે હોન્ડુરાસની જેલની હાલત ખૂબ જ ખરાબ છે. અહીં કેદીઓની ભીડ છે. સ્વચ્છતા એ બીજી સમસ્યા છે. અવારનવાર અહીંની જેલોમાંથી લડાઈના અહેવાલો આવે છે. વર્ષ 2019માં પણ આવી જ ગેંગ હિંસા થઈ હતી જ્યારે 37 કેદીઓના મોત થયા હતા. પ્રમુખ હર્નાન્ડિઝે પછી જેલને લશ્કરી નિયંત્રણ હેઠળ મૂકી હતી. જો કે આ પછી પણ ઘટનાઓ અટકી નથી.