Hong Kong Fire ; હોંગકોંગમાં 26 નવેમ્બરે એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગ હજુ પણ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નથી. આ બહુમાળી રહેણાંક સંકુલમાં આગને કાબૂમાં લેવા માટે ગુરુવારે (28 નવેમ્બર 2025) બીજા દિવસે પણ બચાવ ટીમોએ ભારે જહેમત ઉઠાવી પડી હતી. અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 83 થઈ ગયો છે, જ્યારે 280થી વધુ લોકો ગૂમ છે. અધિકારીઓએ તેને છેલ્લા 70 વર્ષમાં શહેરની સૌથી મોટી દુર્ઘટના ગણાવી છે.
ઇમારતોના ઉપરના માળે આગ સળગી રહી હતી
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, અધિકારીએ કહ્યું કે લગભગ 76 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 43ની હાલત ગંભીર છે. મૃતકોમાં એક ફાયરમેન પણ સામેલ છે. ઘણા લોકો હજુ પણ ઈમારતોમાં ફસાયેલા છે. સાતમાંથી ચાર બ્લોકમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવામાં આવી છે, જ્યારે બાકીની 31 માળની ઇમારતોના ઉપરના માળે સાંજે આગ સતત ભડકે બળતી રહી હતી. મોટા પાયે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને ઇમારતોમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આગથી પ્રભાવિત લોકો માટે રાહત પેકેજ
આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સરકારે આ મામલે ફોજદારી તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીએ કહ્યું કે સાત ઈમારતો, જેમાં પ્રત્યેક 32 માળની છે, સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. હોંગકોંગ સરકારે અસરગ્રસ્ત લોકો માટે 300 મિલિયન હોંગકોંગ ડોલરની રાહતની જાહેરાત કરી છે. સેંકડો વિસ્થાપિત રહેવાસીઓને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
4,600 લોકોના ઘરો નાશ પામ્યા હતા
તાઈ પો જિલ્લામાં 1983માં બનેલ વાંગ ફુક કોર્ટ સંકુલમાં 1,984 ફ્લેટ ધરાવતી આઠ બહુમાળી ઇમારતો છે. 2021ની વસ્તી ગણતરી મુજબ, આ ઇમારતોમાં લગભગ 4,600 લોકો રહે છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, હોંગકોંગ પોલીસે 27 નવેમ્બરે જણાવ્યું હતું કે આગના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ વ્યક્તિઓ બાંધકામ કંપનીના અધિકારીઓ છે જેમણે ઇમારતોના રિનોવેશન દરમિયાન કેટલીક વસ્તુઓ ઇન્સ્ટોલ કરવાની જવાબદારી સંભાળી હતી.
આગ અચાનક કેવી રીતે ફેલાઈ?
પોલીસનું કહેવું છે કે, મેન્ટેનન્સના કામ દરમિયાન ઉપયોગમાં લેવાતા જ્વલનશીલ પાલખ અને ફોમ મટિરિયલના કારણે આગ આટલી ઝડપથી ફેલાઈ શકે છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, હોંગકોંગના પોલીસ અધિક્ષક ઇલીન ચુંગે જણાવ્યું હતું કે, "અમારી પાસે એવું માનવા માટેનું કારણ છે કે જવાબદાર કંપનીની ઘોર બેદરકારી હતી, જેના કારણે આ અકસ્માત થયો અને આગ અનિયંત્રિત રીતે ફેલાઈ, પરિણામે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ."