Free Airline Tickets : હોંગકોંગ વિશ્વનું 'અત્યાર સુધીનું સૌથી મોટું સ્વાગત' કરવા માટે તૈયાર છે. કોવિડ મહામારીએ હોંગકોંગના પ્રવાસન અને અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તેની ભરપાઈ કરવા માટે શહેર સરકારે મોટી જાહેરાત કરી છે. વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે હોંગકોંગે ગુરુવારે પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ વિદેશીઓએ હોંગકોંગ આવવા માટે ફ્લાઇટનું ભાડું નહીં ચૂકવવું પડે. હોંગકોંગ પાંચ લાખ ફ્રી એર ટિકિટનું વિતરણ કરશે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, હોંગકોંગના મુખ્ય કાર્યકારી અધિકારી જોન લીએ તેના રિબ્રાન્ડિંગ અભિયાન 'હેલો હોંગ કોંગ'નું અનાવરણ કર્યું હતું. આ અભિયાનનો હેતુ હોંગકોંગની વૈશ્વિક છબી સુધારવાનો પણ છે. તેના દ્વારા પ્રવાસીઓને હોંગકોંગ વિશે સારી માહિતી આપવામાં આવશે અને તેમને વધુ સારું હોંગકોંગ બતાવવામાં આવશે.


વ્યાપાર અને પર્યટનના દિગ્ગજોને સંબોધિત તેમના ભાષણમાં લીએ કહ્યું હતું કે, હવે હોંગકોંગ આવતા લોકોને કોઈ સંસર્ગનિષેધ અથવા પ્રતિબંધોનો સામનો કરવો પડશે નહીં. તેમણે કહ્યું હતું કે, હોંગકોંગ શહેરની ધમાલ અને ધંધો પાછો લાવવા માટે અડધો મિલિયન એટલે કે 5 લાખ એર ટિકિટ મફત આપશે.


માર્ચથી ફ્રી ટિકિટ શરૂ થશે. શહેરના રહેવાસીઓ માટે પણ સરકારે વધારાની 80 હજાર ફ્રી એર ટિકિટની જાહેરાત કરી છે. લીએ કહ્યું હતું કે, 'લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ કદાચ દુનિયાએ જોયેલું સૌથી મોટું સ્વાગત છે.'


રિબ્રાન્ડિંગ ઝુંબેશ શહેરના મુખ્ય પરિષદ કેન્દ્ર ખાતે રશિયન અને સ્પેનિશ સહિત તમામ મુખ્ય ભાષાઓમાં સૂત્રો સાથે શરૂ થઈ હતી. લોકોના મનોરંજન માટે અનાવરણ દરમિયાન ડાન્સર્સ પણ હાજર રહ્યા હતા. હોંગકોંગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એરલાઇન્સ કેથે પેસિફિક, હોંગકોંગ એક્સપ્રેસ અને હોંગકોંગ એરલાઇન્સ 1 માર્ચથી છ મહિના માટે વિદેશીઓને મફત એર ટિકિટનું વિતરણ કરશે.


ગત કેટલાક વર્ષોમાં શહેરમાં આવતા વિદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 2022માં માત્ર 6,00,000 વિદેશીઓ હોંગકોંગ આવ્યા હતા, જે 2018ના આંકડાના એક ટકા કરતા પણ ઓછા છે. છેલ્લા ત્રણ વર્ષમાં 130 થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ તેમની હોંગકોંગ ઓફિસ બંધ કરી દીધી છે. તાજેતરમાં 253 જાપાનીઝ કંપનીઓના સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે તેઓ હોંગકોંગમાં કામ કરવા માટે સારા કામદારો શોધી શકતા નથી.


સત્તાવાર માહિતી અનુસાર, ગયા વર્ષે હોંગકોંગની અર્થવ્યવસ્થા 3.5 ટકા ઘટી હતી અને તે જ સમયગાળા દરમિયાન 140,000 થી વધુ કામદારોએ શહેર છોડી દીધું હતું.