Brazil hot air balloon crash: બ્રાઝિલના દક્ષિણ રાજ્ય સાન્ટા કેટરિનામાં આજે (શનિવારે) સવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. કુલ 21 મુસાફરોને લઈને ઉડતા એક ગરમ હવાના બલૂનમાં આગ લાગ્યા બાદ તે પ્રયા ગ્રાન્ડે શહેરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આગ અને ક્રેશની વિગતો

રાજ્યના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, પ્રવાસન માટે ઉપયોગમાં લેવાતા આ બલૂનમાં સવારે ઉડાન દરમિયાન અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા બાદ બલૂન બેકાબૂ બની ગયું અને પ્રયા ગ્રાન્ડે શહેરમાં ધડાકાભેર જમીન પર પટકાયું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ગવર્નર દ્વારા દુર્ઘટનાની પુષ્ટિ અને રાહત કાર્ય

સાન્ટા કેટરિનાના ગવર્નર જોર્ગિન્હો મેલોએ 'X' (અગાઉ ટ્વિટર) પર માહિતી આપતા જણાવ્યું કે, "શનિવાર સવારે બનેલી દુર્ઘટનામાં હૉટ એર બલૂનમાં 22 લોકો સવાર હતા." જોકે, ફાયર વિભાગના આંકડા મુજબ 21 મુસાફરોની માહિતી છે. ગવર્નરે વધુમાં લખ્યું કે, ઘટના સ્થળ પર રાહત અને બચાવની ટીમ પહોંચી ચૂકી છે અને અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. તેમણે કહ્યું કે, "આ અકસ્માતથી આપણે બધા આઘાતમાં છીએ."

ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર, બચાવેલા 13 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ પ્રવાસીઓમાં ગરમ હવાના બલૂનની સલામતી અંગે ચિંતા જગાવી છે.

એપીના અહેવાલ મુજબ, શનિવારે બ્રાઝિલના દક્ષિણ રાજ્ય સાન્ટા કેટારિનામાં એક ગરમ હવાના ફુગ્ગામાં આગ લાગી અને તે આકાશમાંથી નીચે પડી ગયો, જેમાં 8 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. સ્થાનિક સમાચાર આઉટલેટ G1 દ્વારા શેર કરાયેલા ફૂટેજમાં આગમાં લપેટાયેલા ફુગ્ગામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્પષ્ટપણે જોવા મળ્યા હતા, જે ઘટનાની ભયાવહતા દર્શાવે છે.

સાન્ટા કેટારિનાના લશ્કરી ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 13 લોકો બચી ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ રીતે આ ફુગ્ગામાં પાઇલટ સહિત કુલ 21 લોકો સવાર હતા.

ઉલ્લેખનીય છે કે, ગયા રવિવારે પણ સાઓ પાઉલો રાજ્યમાં એક આવી જ ફુગ્ગા દુર્ઘટના બની હતી. G1 ના અહેવાલ મુજબ, તે ઘટનામાં 27 વર્ષીય એક મહિલાનું મોત થયું હતું અને 11 અન્ય લોકો ઘાયલ થયા હતા. બ્રાઝિલમાં ટૂંકા ગાળામાં બનેલી આ બીજી ફુગ્ગા દુર્ઘટના છે, જે આવા સાહસિક પ્રવૃત્તિઓમાં સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.