China Hu Jintao: ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા ઓક્ટોબરમાં કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ ચીનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓ પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યા હતાં.  હુ જિન્તાઓએ તેમના સ્વર્ગસ્થ પુરોગામી જિયાંગ ઝેમિનને શ્રદ્ધાંજલિ આપી હતી. અગાઉ ઓક્ટોબરમાં કોંગ્રેસના સમાપન સમારોહમાં હુને તેમની ખુરશી પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ એક અસામાન્ય ઘટના હતી, જેને દુનિયા  આખીનું ધ્યાન ખેંચ્યુ હતું. CCP કોંગ્રેસમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ત્રીજા કાર્યકાળ પર મહોર મારવામાં આવી હતી.


જો કે, ચીનના રાજ્ય મીડિયાએ બાદમાં અહેવાલ આપ્યો હતો કે, હુ જિન્તાઓએ મીટિંગમાં અસ્વસ્થતા અનુભવી હતી અને તેમને શી દ્વારા હોલ છોડવાની ફરજ પાડવામાં આવી હતી. તેમને હોલમાંથી બહાર લઈ જવાનો એક વિડિયો પણ સામે આવ્યો હતો, જેમાં હુએ વારંવાર શી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારીઓ દ્વારા તેને બળજબરીથી બહાર લઈ જવામાં આવ્યા હતાં.


હુ જિન્તાઓ ટોચના નેતાઓ સાથે જોવા મળ્યા


રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવી ફૂટેજમાં હુ જિન્તાઓ સોમવારે સવારે જિયાંગના અંતિમ સંસ્કાર પહેલા બેઇજિંગમાં ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મી જનરલ હોસ્પિટલમાં અન્ય ટોચના નેતાઓ સાથે દેખાયા હતા. હુ ત્યાં પણ અસ્વસ્થ જણાયા હતાં અને ચાલવા માટે પણ એક અધિકારીની મદદ લઈ રહ્યાં હતાં. 


શી જિનપિંગે વિરોધીઓને એક સંદેશ આપ્યો


ઓક્ટોબરમાં કોંગ્રેસમાં શી જિનપિંગને આગામી પાંચ વર્ષની મુદત માટે પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ અગાઉ હુ જિન્તાઓ બે ટર્મ (10 વર્ષ) માટે ચીનના રાષ્ટ્રપતિ હતા. કેટલાકનં માનવું છે કે, હુને અણધારી રીતે હટાવવાનો હેતુ પક્ષમાં રહેલા લોકો માટે એક મજબૂત રાજકીય સંદેશ આપવા માટે હતો જેઓ શીના રાજ્યાભિષેકનો વિરોધ કરી શકે તેમ હતાં.


ટોચના નેતૃત્વમાં પણ ક્ઝીની નજીક


શી જિનપિંગે પોલિટબ્યુરો સ્ટેન્ડિંગ કમિટીમાં તેમના નજીકના લોકોને પણ સ્થાન આપ્યું હતું. બીજી ચોંકાવનારી વાત એ હતી કે, ચીનના ટોચના નેતૃત્વમાં પહેલીવાર એક પણ મહિલા નથી. શી જિનપિંગે પોતાના આ પગલાથી એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જે તેમને ટેકો આપશે તે ચીનમાં સત્તામાં રહેશે. તેમનો વિરોધ કરવાનો મતલબ સત્તા ગુમાવવી પડશે. આ સ્થિતિમાં કોઈ પણ નેતાએ શી જિનપિંગના ત્રીજા કાર્યકાળનો બિલકુલ વિરોધ કર્યો નહોતો.