Tu 95 Nuclear Bombers : રશિયાના અત્યંત અઘન સુરક્ષા ધરાવતા એરબેઝ પર આજે જોરદાર વિસ્ફોટ થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે, આ હુમલો યુક્રેનના ડ્રોન વિમાન દ્વારા કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ડ્રોન હુમલામાં રશિયાના બે શક્તિશાળી એવા Tu-95 પરમાણુ બોમ્બર નષ્ટ થઈ ગયા છે. જો કે આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી નથી. રશિયાના સારાટોવ વિસ્તારમાં સ્થિત આ ઈંગેલ્સના એરબેઝ પર વહેલી સવારે હુમલો કરવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે, આ બોમ્બર્સની મદદથી જ રશિયન સેના યુક્રેન પર પરંપરાગત મિસાઈલો અને બોમ્બનો વરસાદ કરી રહી છે.


અહેવાલ મુજબ હુમલામાં બંને બોમ્બરો નાશ પામ્યા હોવાનું કહેવાય છે. રશિયા હાલ યુક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર પ્લાન્ટ પર હુમલો કરી રહ્યું છે. આ હુમલામાં બે રશિયન સૈનિકો ઘાયલ થયા હતાં અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહેવાલો અનુસાર સોમવારે એરબેઝની નજીકનો ટ્રાફિક પણ બંધ રાખવામાં આવ્યો હતો જેથી હુમલા બાદ ઈમરજન્સી સેવાઓ બચાવ કામગીરી કરી શકે.


'યુક્રેન મોસ્કોને પણ બનાવી શકે છે નિશાન'


યુક્રેન તરફથી વધુ હુમલાની ધમકીને ધ્યાનમાં રાખી રશિયન એરબેઝને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. રશિયાના Tu-95 બોમ્બરોએ 70 વર્ષ પહેલા પહેલીવાર વખત ઉડાન ભરી હતી. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ બ્રિટનને ડરાવવા પુતિન દ્વારા તૈનાત કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીમાં બ્રિટિશ એરફોર્સે ઉત્તરી સ્કોટલેન્ડ નજીક આ રશિયન બોમ્બરોનો પીછો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં અન્ય એક વિમાનને પણ નુકસાન પહોંચ્યુ છે.


રશિયન એક વેબસાઈટે ચેતવણી આપી છે કે, જો યુક્રેનમાંથી આ બેઝ પર હુમલો થશે તો મોસ્કોને પણ નિશાન બનાવી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જો યુક્રેનથી ડ્રોન આવી શકે છે તો દુશ્મનનું આ 1000 કિમીની મારક ક્ષમતા ધરાવતું આ ડ્રોન પણ હુમલાનો શિકાર બની શકે છે. જ્યાં સુધી રશિયા તરફથી જોરદાર જવાબ નહીં મળે ત્યાં સુધી આવા હુમલા થતા રહેશે. આ વિસ્તારના રશિયન ગવર્નર રોમન બુસર્ગિને કહ્યું હતું કે, ચિંતા કરવાની કોઈ વાત નથી. ઑક્ટોબરની શરૂઆતમાં સેટેલાઇટ ઇમેજે ખુલાસો કર્યો હતો કે, રશિયન બોમ્બર ફિનલેંડ સરહદની નજીક જોવામાં આવ્યા હતા.