કોરોનાનો સામનો કરવા અને અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે અમેરિકાની સંસદના બન્ને ગૃહ અને વ્હાઇટ હાઉસે મળીને 908 અબજ ડોલર એટલે કે અંદાજે 68 લાખ કરોડ રૂપિયાનું પેકેજ તૈયાર કર્યું છે. આ રકમમાંથી બેકારી ભથ્થુ, ઉદ્યોગોને રાહત, ફૂડ આસિસ્ટન્ટ, ટ્રાન્સપોર્ટેશન રાહત, શિક્ષણ, હેલ્થ કેર સેક્ટરમાં મદદ વગેરે રીતે લોકોને આપવામાં આવશે. આ પેકેજનો મુખ્ય ઉદ્દેશ લોકોના હાથમાં રોકડ આવે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે એવો છે.

આ માટે અમેરિકામાં સંસદના બન્ને ગૃહો અને વ્હાઇટ હાઉસ એટલે પ્રમુખની ટીમ મહિનાઓથી વાટાઘાટો કરી રહી હતી, જોકે સહમતી ન સધાતા તે અટકી પડ્યું હતું. આખરે હવે બન્ને વચ્ચે પેકેજને લઈને સહમતી થતા પેકેજ તૈયાર થઈ ગયું છે અને આગામી દિવસોમાં તેને સંસદમાં રજૂ કરવામાં આવશે.

આ પેકેજ અંતર્ગત 286 અબજ ડોલરની સીધી એટલે કે રોકડ સહાય કરવામાં આવશે. જ્યારે 325 અબજ ડોલર નાના ઉદ્યોગો માટે, રસીના વિતરણ અને અન્ય હેલ્થ કેર માટે 69 અબજ ડોલર, શિક્ષણ માટે 82 અબજ ડોલર, ટ્રાન્સપોર્ટેશન માટે 45 અબજ ડોલર, ભાડામાં મદદ માટે 25 અબજ ડોલરની ફાળવણી કરવામાં આવશે.

આ પેકેજ એ અગાઉ જાહેર કરવામાં આવેલ 1.4 ટ્રિલિયન ડોલરના પેકેજનો જ એક ભાગ છે, પરંતુ હવે તેને અમલમાં લાવવામાં આવશે. આ પેકેજ અંતર્ગત બેકાર અમેરિકાનોને 11 સપ્તાહ સુધી દર સપ્તાહે 300 ડોલર (અંદાજે 22,000 રૂપિયા)થી લઈને 600 ડોલર (અંદાજે 44,000 રૂપિયા) સુધીનો ચેક મળશે. જોકે આ રકમમાંથી સામાન્ય નાગરિકોને પુરતી સહાય ન મળે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે.