Hurricane Milton: અમેરિકામાં મિલ્ટન વાવાઝોડાના કારણે તબાહી સર્જાવાની આશંકા છે. આ વાવાઝોડું મંગળવારે ફ્લોરિડાના ટેમ્પા ખાડી કિનારા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને જોતા ફ્લોરિડામાં વહીવટીતંત્રે દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 10 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. વાવાઝોડું હેલેન તબાહી મચાવ્યાના બે અઠવાડિયા કરતાં પણ ઓછા સમય બાદ આ પ્રચંડ વાવાઝોડું આવી રહ્યું છે.
સૌથી વિનાશક તોફાન બની શકે છે
વાવાઝોડું મિલ્ટન બુધવારે દરિયાકાંઠે ત્રાટકી શકે છે, જેનાથી ફ્લોરિડાના ગીચ વસ્તીવાળા પશ્ચિમ કિનારા પર ખતરો ઉભો થયો છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે પશ્ચિમ-મધ્ય ફ્લોરિડામાં ત્રાટકનાર મિલ્ટન અત્યાર સુધીનું સૌથી વિનાશક વાવાઝોડું હોઈ શકે છે. ટેમ્પા ખાડીની ઉત્તર અને દક્ષિણ દરિયાકિનારે 10 થી 15 ફૂટના મોજા ઉછળે તેવી અપેક્ષા છે.
પૂરનો ભય પણ છે
127 થી 254 મીમી કે તેથી વધુ વરસાદની અપેક્ષા છે. જેના કારણે પૂરનો પણ ભય છે. લગભગ 900 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડી છે. લગભગ 700 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. બુધવાર માટે નિર્ધારિત 1,500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઇડને તેમની જર્મની અને અંગોલાની 10-15 ઓક્ટોબરની યાત્રા મુલતવી રાખી છે.
બાઇડને કહ્યું - આ જીવન અને મૃત્યુનો મામલો છે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ફ્લોરિડામાં હરિકેન મિલ્ટન ત્રાટકે કરે તે પહેલા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે આ જીવન અને મૃત્યુનો મામલો છે. ફ્લોરિડામાં એક સદી કરતાં પણ વધુ સમયમાં આ સૌથી ભયંકર વાવાઝોડું હોઈ શકે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવું ન થાય, બાઇડને ફ્લોરિડામાં ઇમરજન્સીની જાહેરાતોને મંજૂરી આપી છે.